નવી દિલ્હી- લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુૂંકાઈ ચૂક્યું છે. સત્તાધારી પક્ષ બીજેપી તેમની રણનીતિને અંતિમ રૂપ આપવા કામે લાગી ગયો છે. જેમાંઆગળ વધતાં ભાજપે ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. પીએમ મોદીએ તેમના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો જાહેર કરીને ‘મૈં ભી ચોકીદાર’ (Main Bhi Chowkidar) ચૂંટણી ઝૂંબેશની શરૂઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયોની સાથે સાથે ટ્વીટમાં કહ્યું છે કે, તમારો આ ચોકીદાર રાષ્ટ્રની સેવામાં મજબૂતીથી ઉભો છે, પરંતુ હું એકલો નથી. તેમણે કહ્યું કે, દરેક એ વ્યક્તિ ચોકીદાર છે જે ભ્રષ્ટાચાર, ગંદકી, સમાજિક દુરગુણો સામે લડી રહ્યાં છે. જે કોઈ પણ વ્યક્તિ ભારતની પ્રગતિ માટે સખ્ત પરિશ્રમ કરી રહ્યા છે, તે પણ એક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે હું પણ એક ચોકીદાર છું.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના ભાષણોમાં અવાર નવાર વડાપ્રધાનને કટાક્ષ કરતા ચોકીદાર ચોર છે શબ્દનો ઉપયોગ કરે છે, હવે વિપક્ષના આ જ શબ્દોને ભાજપે તેમના ચૂંટણી પ્રચારમાં સમાવેશ કરી લીધો છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મણિશંકર અય્યરની ‘ચા વાળા’ની ટિપ્પણીને પણ ભાજપે તેમના ચૂંટણી પ્રચારનો હિસ્સો બનાવી લીધો હતો. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી 31 માર્ચે દેશવાસીઓને સંબોંધિત કરશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ પર પણ મેં ભી ચોકીદાર ઝૂંબેશ હેઠળ સંકલ્પ લેવાની મુહિમ શરુ કરવામાં આવી છે.
બીજેપી જાહેર કરશે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદાવારોના નામ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. બેઠકમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં પ્રથમ ચરણમાં જ્યાં મતદાન છે, ત્યાંના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે.