બેંગ્લૂરુ-અમદાવાદઃ ઈસરોના ચંદ્રયાન-2 મિશનમાં આવેલાં અણધાર્યાં વળાંકને લઇને આ મિશન સાથે જોડાયેલાં વૈજ્ઞાનિકો અને સરકારને જ નહીં જનસામાન્યને પણ હતાશા-ચિંતાની લાગણી અનુભવાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોથી જ સમગ્ર ઘટના અંગે દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાનનો સંપર્ક કપાઈ જવાની નિરાશાના માહોલ વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતાં જણાવ્યું કે આજે ચંદ્રમા પર જવાની આપણી ઇચ્છાશક્તિ વધુ મજબૂત બની છે અને સંકલ્પ વધુ પ્રબળ બન્યો છે. કેટલીક મુશ્કેલીઓનો સામનો આજે ભલે કરવો પડ્યો હોય પરંતુ તેનાથી ઇરાદો કમજોર નથી પડ્યો.
વડાપ્રધાન મોદીએ ઈસરો ખાતે વૈજ્ઞાનિકો વચ્ચે ઉપસ્થિત રહી દેશની જનતા અને વૈજ્ઞાનિકોને જણાવ્યું કે આ સમયે દેશ એકસાથે ઉભો છે. ભારત અને તેના વૈજ્ઞાનિકો ક્યારેય હાર્યા નથી. તેઓ ફક્ત શીખ્યાં છે અને દુનિયાને ઉદાહરણો આપ્યાં છે. નિરંતર લક્ષ્ય તરફ વધવાની ભારતની પરંપરા રહી છે, ઈસરોએ મહેનતથી અનેક લક્ષ્ય પ્રાપ્ત કર્યા છે.
દરેક મુશ્કેલીઓ કંઈક શીખવે છે. ચંદ્રયાન 2ની સફર શાનદાર અને જાનદાર રહી છે. હું દેશમાં હતો કે વિદેશમાં સતત ચંદ્રયાન 2ની માહિતી મેળવતો રહેતો હતો. આગામી મિશનમાં સફળતા આપણી સાથે હશે. આખો દેશ ઈસરોની સાથે છે. આપણું ઓર્બિટ શાન સાથે ચંદ્રનું ભ્રમણ કરે છે તેનો ગર્વ છે.
વિજ્ઞાન પરિણામથી અટકતુ નથી, નવી શરૂઆત કરે છે. વિજ્ઞાન પરિણામોથી સંતુષ્ટ નથી થતુ. ઉપદેશ આપવા નહીં પરંતુ પ્રેરણા આપવા માટે આવ્યો છું. દેશના વૈજ્ઞાનિકો ઊર્જાનો સ્ત્રોત છે. વૈજ્ઞાનિકો પ્રત્યે દિલથી આભાર અને સન્માન વ્યક્ત કરું છું.
મંગલ મિશનની સફળતાં યાદ દેવડાવી વડાપ્રધાને વૈજ્ઞાનિકોનું દુઃખ હળવું કરવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું હતું કે એ તમે લોકો જ છો જેમણે પોતાના પહેલા પ્રયાસમાં જ મંગલગ્રહ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. એ પહેલાં દુનિયાના કોઇ દેશે એવી ઉપલબ્ધિ મેળવી ન હતી. તો, આપણાં ચંદ્રયાને દુનિયાને એ મહત્ત્વની જાણકારી આપી છે કે ચંદ્ર ઉપર પાણી છે.
આપ સૌ એવા મહાન પ્રોફેશનલ છો જેમણે દેશની પ્રગતિ માટે જીવન સમર્પિત કર્યું અને દેશ સ્મિત કરવાનો અને ગર્વ કરવાનો મોકો આપ્યો. આપ લોકો માખણ પર લકીર ખેંચનારાં નથી પરંતુ પથ્થર પર લકીર બનાવવાવાળાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરો ચેરમને કે સિવનની અવસાદની પળોના રુદન સમયે તેમને ગળે લગાવી આશ્વાસન આપતાં આમ જણાવ્યું હતું. તેઓ દેશને સંબોધન બાદ ઇસરો સેન્ટર પરથી જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે કે સિવનને ગળે લગાવી પ્રેરક વચનો દ્વારા આશ્વસ્ત કર્યાં હતાં.