નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ત્રણ દિવસથી ફેલાયેલી હિંસા મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ હિંસા દિલ્હીવાસીઓ નહીં પણ બહારના લોકો અને કેટલાક રાજકીય લોકોએ ફેલાવી છે જે નફરતની રાજનીતિ કરવા માગે છે. આ હિંસામાં સૌથી વધુ નુકસાન દિલ્હીવાસીઓનું થયું છે, એથી એમણે હિંસા નહીં પણ નવી રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કેજરીવાલે હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલાના પરિવારના એક સભ્યને નોકરી તેમજ પરિવારને એક કરોડ રુપિયાની આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કેજરીવાલે કહ્યું કે, આ હિંસામાં હિન્દુ અને મુસલમાન બંનેને નુકસાન થયું છે એટલા માટે હિંસા નહીં પરંતુ વિકાસના રસ્તે આગળ વધવુ જોઈએ. કેજરીવાલે પોલીસની પ્રશંસા કરતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, આખી રાત હું જાગી રહ્યો હતો અને અમારા સાથીઓ પણ કામ કરી રહ્યા હતા. અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે, પોલીસની મદદથી દંગામાં ફસાયેલા પરિવારોને બહાર કાઢવામાં આવે.
સીએમ કેજરીવાલે દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે, રાજધાનીનું સુંદર ભવિષ્ય નિર્માણ કરવા માટે એકજૂથ થવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે, સમગ્ર દેશને કહેવાની જરૂર છે કે, બસ હવે બોવ થયું. નફરતની રાજનીતિ સહન નહીં થાય. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, હિંસા દરમ્યાન કેટલીક સારી તસવીરો પણ સામે આવી છે જેમાં હિન્દુ વિસ્તારોમાં મુસલમાનોને બચાવવામાં આવ્યા તો મુસ્લિમ વિસ્તારમાં એક હિન્દુ પરિવારને બચાવવામાં આવ્યો.