નવી દિલ્હીઃ દેશના ચૂંટણી પંચે ગત દિવસોમાં જાહેર કરેલા પોતાના આદેશને જ પાછો ખેંચી લીધો છે. આ આદેશમાં 65 વર્ષથી વધારે ઉંમરના મતદાતાઓને પોસ્ટલ બેલેટથી વોટ આપવાની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ગયા ગુરુવારના રોજ જાહેર એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, આગામી બિહાર વિધાનસભા અને અન્ય પેટા-ચૂંટણીઓમાં 65 વર્ષથી વધારે ઉંમરના મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, કોરોના વાયરસને ધ્યાને રાખતા 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોને વોટ આપવા માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપવાની ભલામણ કરવામાં આવી હતી જેથી તેઓ કોઈના સંપર્કમાં આવ્યા વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આયોગની ભલામણ પર કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 19 જૂનના રોજ નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું પરંતુ આ નિયમને હવે લાગુ કરવામાં નહીં આવે.
પંચે તર્ક આપતા કહ્યું કે, આ નિયમોને લાગુ કરતા પહેલા પંચ મૂળભૂત સ્થિતિની સતત માહિતી મેળવી રહ્યું છે. કોરોના વાયરસથી સર્જાયેલી આ વિકટ સ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓની સતત ચૂંટણી આયોગ નજર રાખી રહ્યું છે. કમિશને દરેક પોલીંગ સેન્ટર પર એક હજાર વોટર્સની સંખ્યા નક્કી કરી છે. મતદારોને કોરોના વાયરસથી બચાવવા માટે અન્ય તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આના માટે વધારે કેટલાક સુરક્ષા સંસાધનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ત્યારે આવા સમયે આ તમામ વાતોને ધ્યાને રાખતા હવે 65 વર્ષથી વધારે વયના લોકોને પોસ્ટલ બેલેટની સુવિધા ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, પોસ્ટલ બેલેટની સુવિધા પહેલાની જેમ 80 વર્ષથી વધારે વયના લોકોને તો મળશે જ. આ ઉપરાંત કોવિડ પોઝિટિવ અથવા હોમ આઈસોલેશનમાં રહેનારા લોકો પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકશે. આના માટે કોઈ જવાબદાર અધિકારી પાસેથી પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે.