વિરોધના વંટોળ વચ્ચે નાગરિક સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું

નવી દિલ્હીઃ  હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન  બિલ રજુ કર્યું. આ બિલ પારિત થવાની સાથે જ છ દાયકા જૂનો નાગરિકતા કાયદો 1955 બદલાઈ જશે અને ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા ગેરમુસ્લિમ શરણાર્થિઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા એકદમ સરળ બની જશે. સરકારનો પ્લાન આ બિલ લોકસભામાં પારિત કર્યા બાદ આવતીકાલે મંગળવારે રાજ્યસભામાં પણ આના પર મંજૂરીની મોહર લગાવવાનો છે. ભાજપે તેના તમામ સભ્યોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું હતું.

અમિત શાહ અને અધીર રંજન વચ્ચે તીખી ચર્ચા

શાહે બિલ રજૂ કરતાની સાથે જ સદનમાં હંગામો મચી ગયો. કોંગ્રેસ સહિત 11 પાર્ટી આ બિલના વિરોધમાં છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, આ બિલ મારફતે અલ્પસંખ્યકોને સીધા ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેનો અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, આ બિલ દેશની લઘુમતી કોમના વિરુદ્ધમાં નથી. હું દરેક સવાલનો જવાબ આપીશ. ત્યારે વોક આઉટ ના કરતા. આ બિલ લઘુમતીના .001% પણ વિરોધમાં નથી.

બિલમાં પક્ષમાં ભાજપ, જનતા દળ યૂનાઈટેડ, અકાલી અને લોક જનશક્તિ પાર્ટી છે. ઉપરાંત AIADMK નાગરિકતા સુધારણા બિલના સમર્થનમાં આવી ગઈ છે. આ પાર્ટીના રાજ્યસભામાં 11 સાંસદ છે. જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, વામપંથી દળ, સમાજવાદી પ્રાર્ટી અને આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરી રહી છે.

બિલ પાસ થયું તો ભારત ઈઝરાયલ બની જશે

AIMIM પ્રમુખ ઓવૈસીએ કહ્યું કે, આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન કરે છે. ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. જો બિલ રજુ થયું તો ગૃહ મંત્રી અમિત શાહનું નામ ઈઝરાયલના પહેલા વડાપ્રધાન ડેવિડ બેન ગુરિઓન સાથે લખવામાં આવશે. આ દરમિયાન ભાજપના સાંસદોએ ઓવૈસીના આ નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો હતો.

ટીએમસી સાંસદ સૌગાતા રોયે કહ્યું કે, આ બિલ વિભાજનકારી અને ગેરબંધારણીય છે.જે બંધારણના આર્ટિકલ 14નો ભંગ કરે છે. AIUDF પાર્ટી જંતર મંતર પર નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે.

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીના સાંસદોએ નાગરિકત્વ સુધારણા બિલના વિરોધમાં સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીના પૂતળા સામે વિરોધ પ્રદર્શન કર્યું

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં નાગરિકતા બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું, પણ રાજ્યસભામાં અટકી ગયું હતું. કેન્દ્રીય કેબિનેટમાંથી બિલને 4 ડિસેમ્બરે મંજૂરી મળી ગઈ હતી. આ બિલ દ્વારા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બિન મુસ્લિમો (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ)ને ભારતીય નાગરિકતા આપવામાં સરળતા રહેશે.