શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં જ્યારથી આર્ટિકલ 370 રદ કરવામાં આવી છે, ત્યારથી પાકિસ્તાન બેચેન છે. કાશ્મીર ખીણમાં હવે સામાન્ય સ્થિતિ પ્રવર્તી રહી છે, અહીંના યુવાઓ બંદૂકોને ના કહી રહ્યા છે. જેથી સરહદને પેલે આપર બેઠેલા આતંકવાદીઓના આકાઓ આકળવિકળ છે. કાશ્મીરને સળગતું રાખવાની યોજનાની આગ ઠરી રહી છે, જેથી તેઓ આતંકવાદને જીવિત રાખવા માટે અન્ય સંસાધનોની શોધ કરી રહ્યા છે, કેમ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથોમાં સ્થાનિક ભરતીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
છેલ્લા 33 દિવસોમાં શ્રીનગરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે અને શહેરમાં વધુ વિદેશી આતંકવાદીઓ હોવાના સમાચાર છે. પાકિસ્તાન ફરી તેની જૂની ચાલ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો પર નિર્ભર રહેવાને બદલે આતંકવાદની મશાલ જીવિત રાખવા પાકિસ્તાન મૂળના આતંકવાદીઓ સક્રિય થયા છે.
પાંચ ઓગસ્ટ, 2019 પછી કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણયની ઘોષણા કરી હતી. એ પછી જમ્મુ-કાશ્મીરમાં માહોલ બગાડવાના દરેક સંભવ પ્રયાસ આતંકવાદીઓએ કર્યા હતા, પણ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિમાં બદલાવે યુવાઓ માટે તકોનાં દ્વાર ખોલી દીધાં છે. યુવાઓને સમજાયું છે કે હથિયાર ઉઠાવવાથી, પથ્થરમારો કરવાથી અને ધરણાં-પ્રદર્શન કરવાથી તેમને કામમાં મદદ નહીં મળે. તેઓ સમયાંતરે રોજગાર અને અન્ય તકોને ઝડપવા માટે આગળ વધ્યા છે. શ્રીનગરમાં પાકિસ્તાની આતંકવાદીઓની હાજરી એ વાતનો સંકેત છે કે પાકિસ્તાને કાશ્મીરના મામલામાં દખલ દેવાનું બંધ નથી કર્યું. પાકિસ્તાન કોઈ પણ કિંમતે હિંસા જારી રાખવા ઇચ્છે છે.
પાકિસ્તાનમાં કમસે કમ 12 જૂથો સક્રિય છે, જેમાંથી પાંચ ભારત કેન્દ્રિત સંગઠન સામેલ છે.