લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનનસભાની ચૂંટણી પરિણામ પછી મોટો રાજકીય ઊલટફેર જોવા મળી રહ્યો છે. UP ચૂંટણીમાં અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઊતરેલા ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ફરીથી ભાજપના નેતૃત્વવાળા NDAમાં સામેલ થાય એવી શક્યતા છે.
ઓમપ્રકાશ રાજભર ફરીથી NDAમાં પરત ફરવા તૈયાર છે. તેઓ આ સિલસિલામાં ગૃહપ્રધાન અમિત શાહની સાથે, ધર્મેન્દ્ર પ્રધાન, સુનીલ બંચલની સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. વળી, ઓમપ્રકાશ રાજભરનો યોગી પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવે એવી પણ શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓમપ્રકાશની આ નેતાઓની સાથે મુલાકાત આશરે એક કલાક ચાલી હતી. જોકે સત્તાવાર રીતે આની પુષ્ટિ નથી થઈ. ભાજપ કે ઓમપ્રકાશ રાજભરે આ સંબંધે કોઈ નિવેદન આપ્યું નથી.
વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ઓમપ્રકાશ રાજભરની પાર્ટી ભાજપની સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી હતી. ચૂંટણીમાં જીત પછી UPમાં ભાજપની સરકાર બની હતી અને યોગી સરકારમાં તેમને કેબિનેટપ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા, પણ એ પછી રાજભરે ભાજપ સામે મોરચો માંડ્યો હતો.
હાલમાં UPની ચૂંટણીમાં રાજભર સપાની સાથે ગઠબંધનમાં સામેલ થઈને ચૂંટણી મેદાનમાં ઊતરી હતી. તેમણે એ વખતે રાજ્યમાંથી યોગી સરકારને ઉખાડી ફેંકવાની વાત કરી હતી.
ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળી હતી. ભાજપે 403 સીટમાંથી 273 સીટો મેળવી હતી. જોકે રાજભર જહુરાબાદ સીટ પરથી સતત બીજી વાર ચૂંટાઈ આવ્યા છે અને ગાઝીપુરમાં ભાજપ ગઠબંધન એક પણ જીતવામાં સફળ નથી થયું.