નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઇન ગેમિંગ (ગાઝિયાબાદમાં) દ્વારા ધર્મ પરિવર્તનના કેસ સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બધી જ ગેમિંગ એપનો રિવ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ઓનલાઇન સટ્ટા રમાડતી એપ પણ બંધ થશે. એના માટે નિયમોની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે, એમ કેન્દ્રીય IT રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું.
ઓનલાઇન ગેમ રમાડવાની આડમાં ચાલી રહેલા ધર્માંતરણ સિન્ડિકેટમાં ગાઝિયાબાદ પોલીસે હાલમાં કાર્યવાહી કરી હતી. આ સિન્ડિકેટના મુખ્ય આરોપી શહનવાઝ મકસૂદ ઉર્ફે બદ્દોને પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી ધરપકડ કરી હતી. બદ્દોની સામે 30 મેએ ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. DCP નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં ત્રણ પીડિત બાળકોથી પૂછપરછ કરી હતી, એમાં માલૂમ પડ્યું હતું કે ધર્માંતરણના ત્રણ સ્ટેપ છે.
જોકે મંત્રીએ કહ્યું હતું કે ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એક, જેમાં સટ્ટેબાજી સામેલ છે. બે, જે ગેમ્સ હાનિકારક હોઈ શકે છે અને ત્રણ જે ગેમ્સની લત લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ વાર અમે ઓનલાઇન ગેમિંગને લઈને એક માળખું તૈયાર કર્યું છે, જેમાં દેશમાં ત્રણ પ્રકારની ગેમ્સની મંજૂરી નહીં અપાય.
જોકે ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગમાં ફરક હોય છે. ઓનલાઇન ગેમ દ્વારા ગેમર મનોરંજન અથવા ટાઇમપાસ કરે છે, એમાં આગળ વધવા માટે ટાસ્ક આપવામાં આવે છે અને ઓનલાઇન ગેમ મોટા ભાગે ફ્રી હોય છે, જ્યારે ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસાની લેવડદેવડ હોય છે. ગેમ્બલિંગમાં પહેલાં પૈસાની શરત લગાવવાની તક મળે છે અને પછી રમવાની તક મળે છે.