નવી દિલ્હીઃ કાંદાની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવાના પોતાના નિર્ણયને સરકારે આજે યોગ્ય ગણાવ્યો છે અને કહ્યું કે આ પગલું કસમયનું નથી, પરંતુ સમયસરનું છે. દેશમાં કાંદાની સપ્લાઈમાં વધારો લાવવા અને છૂટક ભાવોને અંકુશમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
કાંદાની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવાના સરકારના નિર્ણય સામે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં અનેક ઠેકાણે ખેડૂતોએ વિરોધ કર્યો છે ત્યારે સરકારે નિર્ણયના બચાવમાં નિવેદન કર્યું છે. કેન્દ્રિય કન્ઝ્યૂમર અફેર્સ વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે આ સમયસરનું જ પગલું છે અને પરિસ્થિતિ અનુકૂળ નહીં થાય ત્યાં સુધી સરકાર આ મામલે હસ્તક્ષેપ કરશે. પસંદગીના રાજ્યોમાં જથ્થાબંધ અને છૂટક બજારોમાં કાંદાનો બફર સ્ટોક પણ છૂટો કરશે.