નવી દિલ્હીઃ દિવાળી માંડ એક સપ્તાહ દૂર અને તહેવારોથી ઠીક પહેલાં અમૂલે દૂધમાં લિટરદીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે. હવે લોકોએ એક લિટર અમૂલ દૂધના પેકેટ પર રૂ. 61ને બદલે રૂ. 63 આપવા પડશે. આ જ રીતે અમૂલે અડધા લિટર દૂધની કિંમતમાં ભાવવધારા બાદ હવે રૂ. 32 થયા છે.
દિલ્હીમાં દૂધની મુખ્ય સપ્લાય અમૂલ દ્વારા થાય છે. આવામાં દૂધની કિંમતો વધતાં સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ એક માર છે. અમૂલ બાદ મધર ડેરી પણ રાજ્યમાં દૂધની કિંમતોમાં વધારો કરે એવી શક્યતા છે. આ પહેલાં મધર ડેરીએ ઓગસ્ટમાં દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો. મધર ડેરીએ દિલ્હી-NCRમાં દિલ્હીમાં દૂધની કિંમતોમાં લિટરદીઠ રૂ. બેનો ભાવવધારો કર્યો હતો.
ઓગસ્ટમાં જ અમૂલે પણ દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીએ 17 ઓગસ્ટે દૂધની કિંમતોમાં પ્રતિ લિટર રૂ. બેનો વધારો કર્યો હતો. હવે દૂધથી જોડાયેલાં ડેરી પ્રોડક્ટ્સ પણ મોંઘા થશે. દૂધમાં થયેલા ભાવવધારાને પગલે બટર, છાસ અને લસ્તી કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.
અમૂલ દ્વારા કરાયેલા ભાવવધારા પાછળનું કારણ પેકેજિંગ, લોજિસ્ટિક પશુ આહાર, દૂધના ઉત્પાદન ખર્ચમાં થઈ રહેલા વધારાને તેમ જ સંચાલન ખર્ચમાં વધારો થવાને ગણવામાં આવી રહ્યું છે.