નવી દિલ્હીઃ સરકારી કામકાજમાં કેટલું રેઢિયાળપણું ચાલી રહ્યું છે, એનો વધુ એક નમૂનો મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સામે આવ્યો છે. આ જિલ્લાના બંડા તહેસીલ ઓફિસમાં એક એવું સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે, જેને જોઈને પગ નીચે જમીન સરકી જાય.
તહેસીલદારે એક આવક પ્રમાણપત્ર જારી કર્યું છે, જેમાં પરિવારની વાર્ષિક કમાણી માત્ર રૂ. બે દર્શાવવામાં આવી છે. આ સર્ટિફિકેટ જાન્યુઆરી, 2024માં બનાવવામાં આવ્યું હતું. હવે આ સર્ટિફિકેટ જિલ્લામાં વાઇરલ થયું છે. આવક સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરનાર શખસે વાર્ષિક રૂ. 40,000 લખી હતી, પરંતુ અધિકારીઓએ એને રૂ. 40,000ની જગ્યે માત્ર રૂ. બે લખી નાખ્યું હતું.
બંડા તહેસિલના ગ્રામ ઘૂઘરાના બલરામ ચઢારે લોકસભા કેન્દ્ર દ્વારા આવક સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી હતી. ચઢારે આવક રૂ. 40,000 લખી હતી, પરંતુ આવક સર્ટિફિકેટ જે તેને મળ્યું હતું, એમાં માત્ર રૂ. બે વાર્ષિક આવક લખીને આવ્યું હતું.
સોશિયલ મિડિયામાં જ્યારે આ સર્ટિફિકેટ વાઇરલ થવા લાગ્યું, ત્યારે સરકારી અધિકારીઓની વચ્ચે હડકંપ મચી ગયો હતો. તહેસિલદાર મહેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું હતું કે મારી પોસ્ટિંગથી પહેલાં આ કેસ આવ્યો હતો. આવક સર્ટિફિકેટની તપાસ શરૂ થઈ છે. જો એમાં ફેરફાર નહીં થયો તો એને ઠીક કરવામાં આવશે. આ આવકનું સર્ટિફિકેટ બનતા સમયે કેટલાય અધિકારીઓએના હાથમાંથી પસાર થાય છે, જેમાં ક્લાર્કથી માંડીને તહેસિલદાર સામેલ છે. દરેક અધિકારી હસ્તાક્ષર કરીને ફાઇલ આગળ મોકલે છે. પીડિત પરિવારનું કહેવું છે કે એ ગરીબ જરૂર છે, વહીવટી તંત્રએ તેને મહા ગરીબ બનાવી દીધો છે.