નવી દિલ્હી: પ્રદૂષણમાં ઘટાડો કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ 7 પોઈન્ટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના હેઠળ રાજધાનીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઇવનનો નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ ટુવ્હિલર વાહનો માટે લાગૂ નહીં પડે. તેની સાથે જ દિલ્હીવાસીઓને માસ્ક પણ આપવામાં આવશે. ઓક્ટોબરમાં લોકોને N-95 માસ્ક પૂરા પાડવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે, ઓડ-ઈવન લાગૂ રહેશે એ દરમ્યાન ઓલા અને ઉબર કેબ પર પણ લગામ રાખવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,પર્યાવરણ સુધાર માટે લોકોને વૃક્ષો ઉગાડવા માટે પ્રેરિત કરવામાં આવશે. તેના માટે દિલ્હી સરકાર લોકોને છોડ પૂરા પાડશે. કેજરીવાલે દીવાળીના તહેવારમાં લોકોને ફટાકડા ન ફોડવા અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, દીવાળી પર ફટાકડા ફોડવાથી સમસ્યા ઊભી થાય છે. દિલ્હીના લોકોએ ફટાકડા ન ફોડવાનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ. તેના બદલે કાળી ચૌદશના દિવસે મોટો લેસર શો રાખવામાં આવશે. જેમાં તમામ દિલ્હીના લોકોને બોલાવીશું. ત્યારબાદ ફટાકડા ફોડવાની જરુર નહીં રહે.
કેજરીવાલે નવા મોટર વ્હીકલ એક્ટના કર્યા વખાણ
દિલ્હીના મુખ્યમંત્રીએ નવા મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act)ના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, તેને લાગુ થવાથી ઘણો સુધાર આવશે. લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. અમે તેની પર નજર રાખી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે જો ભવિષ્યમાં લોકોને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમે એવો કોઈ ક્લોઝ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે.
દિલ્હીમાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રોનિક બસો પણ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, મેટ્રો ફેઝ-4 પણ શરૂ થવા જઈ રહી છે. સમગ્ર દિલ્હીમાં તમામ સ્થળે અત્યાધુનિક બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે. જેનાથી બસોની સાચી માહિતી લોકોને મળી શકશે જેથી લોકો બસોનો વધુ ઉપયોગ કરી શકશે.
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે ઓડ-ઈવન નિયમ લાગૂ કરવાની કોઈ જરૂર નથી. અમે જે રિંગ રોડ બનાવ્યા છે એના કારણે શહેરમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત અમારી યોજનાઓ આગામી બે વર્ષમાં દિલ્હીને પ્રદૂષણમુક્ત કરી દેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2016માં દિલ્હીમાં જાન્યુઆરી અને એપ્રિલના મહિનામાં ઓડ-ઈવનનો ફોર્મૂલા લાગૂ કરવામાં આવ્યો હતો. પ્રદૂષણ રોકવા માટે દિલ્હીમાં એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. પછી વર્ષ 2017માં આ નિયમ લાગૂ કરવાનો ફરીથી પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ સુપ્રીમ કોર્ટની સમિતિએ નિયમ લાગૂ કરવાના વિરોધમાં નિર્ણય આપ્યો હતો.