નવી દિલ્હી- હાલમાં આસામમાં ચાલી રહેલું નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ચર્ચાનો વિષય બન્યું છે. જેના પર ઘણું રાજકારણ પણ ગરમાયું છે અને વાદ-વિવાદ પણ થયા છે. અવું કહેવામાં આવી રહ્યું છે કે, NRC મામલે પહેલ કરનારું આસામ દેશનું પ્રથમ રાજ્ય છે. અને હવે દેશના અન્ય રાજ્યોમાં પણ NRC લાવવા માગણી થઈ રહી છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, NRC દેશના તમામ રાજ્યોમાં પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે સત્ય શું છે.મહત્વનું છે કે, દેશના વિભાજન બાદ એ જાણવું જરુરી હતું કે, દેશમાં કેટલા લાકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેના માટે આઝાદી બાદથી વર્ષ 1951માં દેશભરમાં એક નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) તૈયાર કરવામાં આવ્યું હતું. જે દરેક રાજ્યમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ રીતે આસામમાં હાલમાં જે NRC તૈયાર કરવામાં આવી રહ્યું છે તે કોઈ નવી પ્રક્રિયા નથી પણ વર્ષ 1951ના NRCને જ અપડેટ કરવામાં આવી રહ્યું છે.
વર્ષ 1951માં દેશના તમામ રાજ્યોમાં NRC તૈયાર કરવામાં આવ્યો હતો. જે જનગણના પર આધારિત હતો. જેમાં લોકોની યોગ્ય ચકાસણી કરવામાં આવી નહતી. અને હાલમાં આસામનું જે કામ ચાલી રહ્યું છે તે નાગરિકતાની ચકાસણીના આધારે કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની આટલી મોટી ઝુંબેશ કોઈ રાજ્યમાં પ્રથમ વખત કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2014માં સુપ્રીમ કોર્ટે આસામ સરકારને NRC અપડેશનની સમગ્ર પ્રક્રિયાને ત્રણ વર્ષમાં પૂરી કરવા આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે આ રજિસ્ટરને અપડેટ કરવા માટે રુપિયા 288 કરોડ મંજૂર કર્યા છે.