હવે એક કલાકમાં કેશલેસ સારવારની મંજૂરી

નવી દિલ્હીઃ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાવાળા લોકોને મોટી ભેટ મળી છે. ઇન્શ્યોરન્સ રેગ્લુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ આરોગ્ય પોલિસીના રેગ્યુલેટરી નોર્મ્સમાં મોટા ફેરફાર કર્યા છે. હવે વીમા કંપનીએ યુઝરની વિનંતીના એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી પર નિર્ણય લેવાનો રહેશે અને કોઈ પણ સ્થિતિમાં જેણે પોલિસી લઈ રાખી છે, તેણે હોસ્પિટલમાંથી રજા માટે રાહ જોવી નહીં પડે.

જો ત્રણ કલાકથી વધુ સમય લાગે છે તો એનું બિલ વીમા કંપનીઓએ ભરવાનું રહેશે. એના માટે IRDAIએ એનાથી જોડાયેલો એક માસ્ટર સર્ક્યુલર પણ જારી કર્યો છે, જેમાં પાછલા 55 સર્ક્યુલરને રદ કરવામાં આવ્યા છે, જેથી યુઝર માટે વીમો હાંસલ કરવામાં સરળતા રહે અને એનો વિશ્વાસ કાયમ રહી શકે.

નિયામકે કહ્યું છે કે ઇમર્જન્સીવાળા કેસોમાં આવેલી વિનંતી પર કંપનીએ તરત નિર્ણય લેવો જોઈએ. એના માટે IRDAIએ વીમા કંપનીઓને 31 જુલાઈ સુધી કર્મચારીઓની નિયુક્તિ માટે પણ આદેશ આપતાં કહ્યું છે કે વીમા કંપની હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્ક પણ બનાવી શકે છે, જ્યાંથી સરળતાથી લોકોની મદદ કરી શકાશે. નવા નોર્મ્સ મુજબ એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીવાળા પોલિસીધારકને એ પોલિસી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જેના હેઠળ એ સરળતાથી એ રકમ હાંસલ કરી શકશે, જે એને જોઈએ છે.

એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 43 ટકા હેલ્થ ઇન્શ્યોરન્સ લેનારા લોકોને એને મેળવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક કિસ્સામાં દર્દીને ડિસ્ચાર્જ થવામાં 10-12 કલાકનો સમય લાગે છે.

વળી સેટલમેન્ટ ના થવાની સ્થિતિમાં દર્દીને ડિસ્ચાર્જ નથી કરવામાં આવતો અને એ દરમ્યાન હોસ્પિટલનો ખર્ચ દર્દી અને તેના પરિવાર પર બોજ પડે છે. કેટલીય વાર દર્દીઓથી વધારાના પૈસા હોસ્પિટલો વસૂલે છે. આવામાં તેમને હેલ્થ ઇન્શ્યોરન્સનો બહુ લાભ નથી મળતો. જેને કારણે IRDAIને સર્ક્યુલર જારી કરવો પડ્યો છે.