પ્રયાગરાજઃ મસ્જિદ પર અઝાન વખતે લાઉડસ્પીકરથી થનારા ધ્વનિ પ્રદૂષણ સામે અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો. સંગીતા શ્રીવાસ્તવના પત્રને ધ્યાનમાં લેતા પોલીસે મોટો નિર્ણય કર્યો છે. પ્રયાગરાજ રેન્જમાં હવે કોર્ટના આદેશનું સખતાઈથી પાલન કરાવવામાં આવશે. જેથી અધિકારીની મંજૂરી લીધા વગર ધાર્મિક અથવા જાહેર સ્થળ પર રાત્રે 10 કલાકથી છ કલાક સુધી ધ્વનિ વિસ્તારક યંત્રોના પ્રયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આઇજી કેપી સિંહે હાઇકોર્ટના આદેશનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
આઇજી કેપી સિંહે ગુરુવારે રેન્જના બધા જિલ્લા, પ્રયાગરાજ, પ્રતાપગઢ કૌશાંબી અને ફતેહપુરના જિલ્લાધિકારી અને એસએસપી, એસપીને આ હેતુથી પત્ર મોકલ્યો છે. તેમણે ધ્વનિ પ્રદૂષણ, પ્રદૂષણ એક્ટ અને હાઇકોર્ટના આદેશનું સખતાઈથી પાલન કરાવવા માટે નિર્દેશ આપ્યા છે. જે આ આદેશનું ઉલ્લંઘન કરશે તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.રાતના 10 થી લઈને છ કલાક સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ડીજે અને અન્ય ધ્વનિ પ્રદૂષણ કરતાં સાધનોના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે
અઝાન માટે લાઉડસ્પીકરના મોટા અવાજથી હેરાનગતિ ભોગવી રહેલા ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયનાં કુલપતિ પ્રો. સંગીતા શ્રીવાસ્તવે ત્રીજી માર્ચે જિલ્લાધિકારીને પત્ર લખ્યો હતો. જેની એક કોપી કમિશનર, આઇજી અને એસએસપીને મોકલવામાં આવી હતી. બે દિવસ પહેલાં તેમનો પત્ર જાહેર થયો હતો અને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો હતો. કુલપતિએ જાહેર અરજીમાં હાઇકોર્ટના આદેશનો હવાલો આપ્યો હતો. એ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને કાનપુર રોડ સ્થિત લાલ મસ્જિદના મુતવલ્લી રહેમાનની મીનાર પર લાગેલા લાઉડ સ્પીકરની દિશા બદલી નાખી હતી અને વોલ્યુમ પણ 50 ટકા ઓછું કર્યું હતું. મસ્જિદના થોડા અંતરે જ કુલપતિ નિવાસ છે.
