મુંબઈ- સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર પત્રોમાં ચાલી રહેલી ખબરોને ટાંકીને ભારતીય રિઝર્વ બેંકે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2014 કે ત્યારબાદ દેશની બહાર બિલકુલ સોનું મોકલવામાં નથી આવ્યું. કેન્દ્રીય બેંક દ્વારા 2014માં કેટલુક સોનું વિદેશમાં મોકલવાની ચર્ચા બાદ આરબીઆઈએ આ નિવેદન આપ્યું છે.
નિવેદન અનુસાર વિશ્વભરમાં કેન્દ્રીય બેંક તેનું સોનુ સુરક્ષિત રાખવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિત અન્ય દેશોની કેન્દ્રીય બેંકોમાં રાખે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં જે રિપોર્ટ આવ્યા છે, તે તથ્યાત્મક રીતે સંપૂર્ણ ખોટા છે.
કેન્દ્રની મોદી સરકારે RBI એટલે કે રિઝર્વ બેંક ઇન્ડિયાનું 200 ટન સોનું સ્વીઝરલેન્ડમાં ગિરવે મુકાયો હોવાની ચર્ચા શરૂ થઇ છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એક રિપોર્ટ ટ્વિટ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે મોદી સરકારે છુપીરીતે RBIનું 200 ટન સોનુ 2014માં જ સ્વિત્ઝરલેન્ડમાં મોકલી આપ્યું હતું
આ પહેલા મીડિયામાં વહેતા અહેવાલને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ સોનાના બદલામાં સરકારે શું મેળવ્યું, શા માટે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનની માહિતી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવતી નથી એવો પ્રશ્નો પૂછ્યો છે.
કોંગ્રેસની આવી આશંકાને પગલે સોશિયલ મીડિયા પર લોકો એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે જેમાં કેટલાક લોકો એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે મોદી સરકારે RBIના 200 ટન સોનાનો જથ્થો વિદેશમાં ગીરવે મૂક્યો છે પરંતુ સરકારે આ માહિતીથી છુપાવી રાખી છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) અનુસાર 2018માં આરબીઆઈએ કુલ 42 ટન સોનાની ખરીદી હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સોનાની વધુ ખરીદી કર્યા બાદ દેશમાં સોનાનો જથ્થો વર્તમાન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં આરબીઆઈ પાસે અંદાજે 609 ટન સોનાનો ભંડાર છે. રશિયાએ વર્ષ 2018માં સૌથી વધુ 274 ટન સોનાની ખરીદી કરી હતી.