નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની ફ્રેન્ચાઇઝીનાં માલિક નીતા અંબાણીને ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સની સાથે 2020 માટે સ્પોર્ટ્સમાં 10 સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. નીતા અંબાણી ભારતનાં સૌથી વધુ ધનિક ગણાતા મુકેશ અંબાણીનાં પત્ની છે અને જૂન, 2014થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં બોર્ડમાં સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તેમની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ ચાર વાર ટ્રોફી જીતી છે.
સ્પોર્ટ્સ બિઝનેસ નેટવર્ક આઇસ્પોર્ટકનેક્ટએ એની વર્ષ 2020 માટેની ‘ઇન્ફ્લુએન્શિયલ વિમેન ઇન સ્પોર્ટ’ની યાદી જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, “શરૂઆતમાં 25 મહિલાઓની પસંદગી કર્યા પછી અમારા નિષ્ણાતોની પેનલ પાસેથી અભિપ્રાયો મળ્યાં પછી ટોપ 10ની પસંદગી થઈ છે.” આ પેનલમાં ટેલ્સ્ટ્રાનાં ગ્લોબલ સેલ્સ હેડ અન્ના લોકવૂડ, વાય સ્પોર્ટનાં મેનેજિંગ પાર્ટનર અને વિમેન ઇન સ્પોર્ટનાં પૂર્વ ચેરમેન સેલ્લી હેન્કોક, આઇસીસી માટે મીડિયા રાઇટ્સનાં હેડ આરતી ડબાસ અને આઇસ્પોર્ટકનેક્ટનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વર્મા સામેલ હતા. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, “અંબાણી આઇપીએલનાં ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સનાં માલિક છે અને દેશમાં વિવિધ રમતોમાં ઘણા સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં સંકળાયેલા છે.” આઇસ્પોર્ટેકનેક્ટે જણાવ્યું હતું કે, મૂળ શોર્ટલિસ્ટ યાદીમાં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિથાલી રાજ સામેલ હતા.
આ યાદીમાં “દુનિયામાં સૌથી મહાન એથ્લેટ પૈકીની એક અને સ્પોર્ટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સતત વધારવાનું પ્રતિનિધિત્વ કરતાં” સિમોન બાઇલ્સ તથા પોતાના વિશે અને સામાજિક મુદ્દાઓ પર સાહસિકતા સાથે વાત રજૂ કરનાર ફૂટબોલર મેગન રેપિનો સામેલ છે.
આ યાદીમાં ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકાનું નામ પણ સામેલ છે, જેમાં ફોર્મ્યુલા 1નાં માર્કેટિંગ અને કમ્યુનિકેશન્સના ડાયરેક્ટર એલી નોર્મન, ડબલ્યુએનબીએનાં કમિશનર કેથી એન્જલબર્ટ, ફિફાનાં જનરલ સેક્રેટરી ફાતમા સમૌરા, સ્પેશ્યલ ઓલિમ્પિક્સનાં સીઇઓ મેરી ડેવિસ અને વિમેન્સ ક્રિકેટ ઇસીબીનાં મેનેજિંગ ડાયરેક્ટર ક્લેર કોન્નોર સામેલ છે.