મુંબઈ – મુંબઈ અને નવી દિલ્હી વચ્ચે અવારનવાર ટ્રેન પ્રવાસ કરનારાઓ માટે ખુશખબર છે. ભારતીય રેલવેએ આ બે સ્ટેશન વચ્ચે એક વધુ રાજધાની એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
નવી રાજધાની એક્સપ્રેસને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવશે.
રેલવે મંત્રાલયે આ ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે.
નવી ટ્રેન 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસથી શરૂ કરાય એવી ધારણા છે. તે મુંબઈથી દર બુધવાર અને શનિવારે રવાના થશે.
આ જ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી દર ગુરુવાર અને રવિવારે દોડાવાશે.
આ ટ્રેન મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર લગભગ 20 કલાકમાં પૂરું કરશે.
અહેવાલો અનુસાર, આ ટ્રેન મુંબઈના CSMT સ્ટેશનેથી બપોરે 2.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.20 વાગ્યે દિલ્હી પહોંચશે. વળતી સફરમાં, આ ટ્રેન દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનેથી બપોરે 3.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.55 મુંબઈ પહોંચશે. આ ટ્રેન કલ્યાણ, નાશિક, જળગાંવ, ભોપાલ, ઝાંસી અને આગરા કેન્ટોનમેન્ટ સ્ટેશનોએ ઉભી રહેશે.
આ ટ્રેનને મધ્ય રેલવે દોડાવશે.
હાલ મુંબઈ-દિલ્હી વચ્ચે દોડાવાતી રાજધાની એક્સપ્રેસને પશ્ચિમ રેલવે દ્વારા દોડાવવામાં આવે છે.
મુંબઈ-દિલ્હી વચ્ચે એક વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની ઘણા વખતથી માગણી હતી.
હાલ મુંબઈના CSMT સ્ટેશનેથી દિલ્હીની વચ્ચે પંજાબ મેલ દોડાવવામાં આવે છે, પણ એ 26 કલાકનો સમય લે છે.