નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે ટ્રેનોને પોતાના પ્રોડક્ટ યૂનિટમાં બનાવવાની જગ્યાએ પ્રાઈવેટ કંપનીઓ પાસેથી રેડીમેડ ટ્રેન ખરીદવા પર વિચાર કરી રહી છે. આ મુદ્દે ચર્ચા માટે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અગાડી અને ટ્રેન મેન્યૂફેક્ચરિંગ અને કોચ ફેક્ટરી સાથે જોડાયેલા અધિકારીઓની તાજેતરમાં દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ. પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે ઈએમયૂ અને મેમૂ ટ્રેન રેક મંગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે ભારતમાં રેલવેના ત્રણ જેટલા પ્રોડક્શન યૂનિટ છે. આ યૂનિટ ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ, મોડર્ન કોચ ફેક્ટરી રાયબરેલી અને રેલ કોચ ફેક્ટરી કપૂરથલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રેડીમેડ ટ્રેન ખરીદવાથી રેલવેને ઘણી નવી ટેક્નિક મળી શકશે.
રેલવે આવનારા ત્રણ વર્ષમાં 2000 સુધીના રેક ખરીદવા પર વિચાર કરી રહી છે. આમાં ઈએમયૂ અને મેમૂ સીવાય 320 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કોલકત્તા મેટ્રો ખરીદવામાં આવશે. રેક વગર એન્જીના ડબ્બાઓની શ્રૃંખલાને કહેવામાં આવે છે.
જો કે પ્રોડક્શન યૂનિટ સાથે જોડાયેલા રેલવે કર્મચારીઓને ભવિષ્યમાં આ યોજનાથી પોતાની નોકરી પર સંકટ દેખાઈ રહ્યું છે. પરંતુ રેલ પ્રધાન પીયૂષ ગોયલનું કહેવું છે કે આખી ટ્રેન ખરીદવાની યોજના મેક ઈન ઈન્ડિયા પોલીસી અંતર્ગત બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા રેડીમેડ ટ્રેન ખરીદવાની યોજના નવી નથી. આ પહેલા ચેન્નઈ મેટ્રો રેલ લિમિટેડ દ્વારા પણ રેડિમેડ ટ્રેન ખરીદવામાં આવી હતી.