નવી દિલ્હી – લોકસભા ચૂંટણી માટે નવો કડક નિયમઃ ઉમેદવારોએ પાંચ વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્ન્સ જાહેર કરવા પડશેનવી લોકસભા ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ મહિના બાકી છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું લોકો માટે પહેલાં જેટલું આસાન નહીં હોય.
ઉમેદવારોએ એમના પાછલા પાંચ વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ઘોષિત કરવા પડશે.
તે ઉપરાંત ઉમેદવારોએ એમની માલિકીની વિદેશી સંપત્તિની વિગતો પણ જાહેર કરવી પડશે.
કેન્દ્રીય કાયદા મંત્રાલયે બહાર પાડેલા નોટિફિકેશનમાં જાહેર કરાયેલા કન્ડક્ટ ઓફ ઈલેક્શન (અમેન્ડમેન્ટ) રુલ્સ 2019માં આ જાણવા મળ્યું છે.
નવા નિયમ અનુસાર, ચૂંટણી ઉમેદવારે ફોર્મ-26 ભરવાનું રહેશે જેમાં એણે તેની સંપત્તિ, જવાબદારીઓ, શૈક્ષણિક ક્વોલિફિકેશન્સ વગેરે વિગતો જણાવવાની રહેશે.
જૂના નિયમોમાં કોઈ ઉમેદવારે માત્ર એણે પોતે, એના જીવનસાથી તથા આશ્રિત વ્યક્તિઓએ નોંધાવેલા માત્ર ગત એક વર્ષનું જ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ઘોષિત કરવું પડતું હતું.
તદુપરાંત, ચૂંટણી ઉમેદવારે વિદેશી બેન્કોમાં તેમજ વિદેશમાંની એવી કોઈ પણ સંસ્થામાં કરેલા ઈન્વેસ્ટમેન્ટ તથા મૂકેલી ડિપોઝીટની રકમની વિગતો જાહેર કરવી પડશે. વિદેશોમાં ઉમેદવારની જે કોઈ સંપત્તિ હોય કે એની જે કોઈ જવાબદારીઓ હોય, કરજ હોય એની વિગત પણે જાહેર કરવી પડશે.
આમ, ઉમેદવારોએ ઈન્કમ ટેક્સ તેમજ ઓફ્ફશોર વેલ્થ વિગતો જાહેર કરવી પડશે.