JNU હિંસાકાંડમાં ચર્ચાનો વિષય બની છે આ છોકરી

નવી દિલ્હી: જેએનયુમાં રવિવારે થયેલી હિંસાના વિડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. હુમલાખોરોની આ તસવીરોમાં સૌથી વધુ વાયરલ થઈ રહેલી એક તસવીર કે જેમાં એક ચેક્સ શર્ટ પહેલી છોકરી બે છોકરા સાથે જોવા મળી રહી છે. આ છોકરીની સાથે ઉભેલા છોકરાઓના હાથમાં લાકડી અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. અહીં પોલીસની સાથે લોકોના મનમાં પણ એક જ સવાલ છે કે, આખરે એ ચેક્સ શર્ટ વાળી છોકરી છે કોણ? જેનો જવાબ સોશિયલ મીડિયા પર શોધવામાં આવી રહ્યો છે.

હકીકતમાં હિંસા પછી લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠન અને ભાજપનું સમર્થન ધરાવતી સ્ટુડન્ટ વિંગ એબીવીપી એક બીજને આ ઘટના માટે જવાબદાર ગણાવી રહ્યા છે. શું તે ચેક્સવાળો શર્ટ પહેરેલી છોકરી આ બેમાંથી જ કોઈ એક વિદ્યાર્થી સંગઠનની સભ્ય છે? જોકે, કોઈપણ પક્ષના દાવાની હજુ સુધી પુષ્ટી નથી થઈ શકી. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરુ કરી દીધી છે અને તેમનું કહેવું છે કે, વિડિયો ફૂટેજને આધારે હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.

જો પોલીસ હિંસાના ફોટો અને વિડિયો મારફતે હુમલાખોરો સુધી પહોંચવા સફળ રહી તો એ છોકરી પણ જલ્દી જ પકડાઈ શકે છે. આ છોકરીએ આ ચેક્સવાળા શર્ટની સાથે ઘેરા વાદળી રંગનું જીન્સ અને સફેદ સ્પોર્ટ્સ સુઝ પહેર્યાં છે. ચહેરા પર ગ્રીન કપડુ લપેટ્યું છે. જો કે, આ છોકરીની આંખો અને માથું સ્પષ્ટ દેખાય છે. આ સ્થિતિમાં પોલીસ માટે આ યુવતી સુધી પહોંચવું મુશ્કેલ નહીં બને.

તો આ તરફ આઈસાની દિલ્હી પ્રેસિડેન્ટ કંવલપ્રીત કૌરે ટ્વીટ કરીને ફોટોમાં આ યુવતીને ઓળખતી હોવાનો દાવો કર્યો છે. કંવલપ્રીતે એક નામ પણ તેમની પોસ્ટમાં લખ્યું છે. તેમણે જે યુવતીનું નામ લખ્યું છે, એવુ કહેવામાં આવી રહ્યું છે કે, તેણીએ તેમનું એકાઉન્ટ પણ ડિએક્ટિવેટ કરી દીધું છે. જોકે, કંવલપ્રીતના દાવાની પુષ્ટી થઈ શકી નથી. મહત્નું છે કે, ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ આયુક્ત અમૂલ્ય પટનાયક સાથે વાતચીત કરીને હિંસા પર તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવે જેએનયુના રજિસ્ટ્રાર પ્રોક્ટર અને રેક્ટરને તેમના કાર્યાલય ખાતે બોલાવીને સમગ્ર ઘટનાક્રમ અંગે રિપોર્ટ માગ્યો છે.