કાનપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠક ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી, કાનપુર ખાતે યોજાઈ હતી. બેઠકમાં નમામિ ગંગે પરિયોજનાના હવે પછીના તબક્કા તથા નવા એક્શન પ્લાન પર ચર્ચા થઈ હતી. બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન ખાસ વિમાનથી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા.
બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ઘાટ પહોંચીને નૌકા વિહાર કરીને પરિયોજના હેઠળ ગંગા સફાઈનું નિરીક્ષણ કર્યું હતું.
ગંગા સૌથી વધારે કાનપુરમાં પ્રદૂષિત
2071 કિમી ભૌગોલિક વિસ્તારમાં વહેતી ગંગા નદી કાનપુરમાં વહેતો ભાગ સૌથી વધારે પ્રદૂષિત થતી હોવાનું માનવામાં આવે છે. કાનપુરમાં 128 વર્ષ જૂના સીસામઉ નાળુ એશિયામાં સૌથી મોટું છે. અંગ્રેજોએ શહેરના દૂષિત પાણીના નિકાલ માટે તેનું નિર્માણ કર્યું હતું. આશરે 40 વિસ્તારોમાંથી સીસામઉ નાળુ દરરોજ 14 કરોડ લીટર પ્રદૂષિત પાણી ગંગામાં છોડતુ હતું. હવે નામામિ ગંગે પરિયોજના અંતર્ગત 28 કરોડ રૂપિયાના ખર્ચથી તેની સફાઈ કરવામાં આવી છે. તેને ડાયવર્ટ કરી વાજીદપુર અને બિનગવાં ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તબદિલ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે 2020 સુધીમાં 20 હજાર કરોડ રુપિયાના ખર્ચે ગંગાની સફાઈનો પ્લાન બનાવ્યો છે. કેન્દ્રના આ નમામિ ગંગે પ્રોજેક્ટ પછી પણ પવિત્ર નદી ગંગા હજુ પણ તેમના અસ્તિત્વની લડાઈ લડી રહી છે.
આવો, જાણીએ કે તમામ પ્રયત્નો છતાં ગંગા હજુ મેલી શા માટે છે?
ગંગા સફાઈમાં ઘણા વર્ષોથી કામ કરનારા આઈઆઈટી કાનુપુરના પ્રોફેસર વિનોદ તારેએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્રના ભારે ભરખમ બજેટ અને નમામિ ગંગે ઝૂંબેશ છતાં પણ ગંગા હજુ મેલી છે. સરકાર એસટીપી બનાવીને ગંગાના પાણીને સ્વચ્છ કરવા માગે છે પણ ગંગાની સહાયક નદીઓમાંથી ગંદકી દૂર કરવા માટે કોઈ ખાસ પ્રયત્નો નથી થઈ રહ્યા.
પ્રોફેસર તારેએ વધુમાં કહ્યું કે, સૌ પહેલા તો સહયોગી નદીઓ અને નાળાઓની સફાઈ પર કામ કરવું પડશે. જો આમાં સફળતા મળશે તો ગંગા આપમેળે સ્વચ્છ થઈ જશે. સીસામઉ નાળાને બંધ કરવાથી સમસ્યાનું સમાધાન નહીં મળે. ગંગાની સફાઈ માટે હજુ અનેક પ્રોજેક્ટો બંધ પડયા છે. સરકારે 20 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે પણ હજુ ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારના આ પ્રયત્નોથી ગંગાના પ્રદૂષણાં થોડો ઘટાડો ચોક્કસ થશે પણ આનાથી ગંગા સાફ નહીં થાય.
આઈઆઈટી બીએચયુમાં પ્રોફેસર અને ગંગા સફાઈ ઝૂંબેશ ચલાવનાર વિશ્વંભર નાથ મિશ્રાએ કહ્યું હતું કે, રાજીવ ગાંધીએ 1986માં ગંગાની સફાઈનું કામ બનારસમાં શરુ કર્યું હતુ. તેમ છતાં ગંગા સ્વચ્છ નહતી થઈ. પ્રધાનમંત્રીએ મોદીએ પણ 2014માં આપેલા વચનને પણ 6 વર્ષ વિતી ગયા હોવા છતાં પણ 350 એમએલડી નાળાનું પાણી સીધુ ગંગામાં ભળી રહ્યું છે. સરકારી વચનો હવા હવાઈ સાબિત થઈ રહ્યા છે અને ગંગાના પાણીમાં મોટો ફેરફાર નથી થયો.
સંકટ મોચન મંદિરના મહંત પ્રોફેસર મિશ્રાએ કહ્યું કે, 120 અને 140 એમએલડીનો નવો એસટીપી પ્લાન્ટ વારાણસીમાં લગાવવામાં આવ્યો છે, તે જૂની ટેકનિક આધારિત છે જેથી પાણીના બેક્ટેરિયાનો નાશ નથી થઈ રહ્યો. તેમણે કહ્યું કે, સીવેજ પાણીનો પુન: વપરાશ કરી શકાય એ રીતે ટ્રીટ કરવું જોઈએ. આનાથી ઓછી માત્રામાં ગંદુ પાણી ગંગામાં છોડવું પડશે. માત્ર એસટીપી પર આ રીતે નાણા ખર્ચવાથી ગંગા સ્વચ્છ નહીં થાય.
શું છે નમામિ ગંગે પ્રોજેક્ટ?
ગંગા અને તેની સહાયક નદીઓમાં પ્રદૂષણ અટકાવવા અને તેને પુનર્જીવિત કરવા માટે વર્ષ 2014માં કેન્દ્ર સરકારે નામામિ ગંગે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પરિયોજનાની જવાબદારી કેન્દ્રીય જળ સંશાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પને આપવામાં આવી છે. પરિયોજનાની અવધિ 18 વર્ષ છે. સરકારે વર્ષ 2019-2020 સુધી નદીની સફાઈ પાછળ રૂપિયા 20 હજાર કરોડનું બજેટ નક્કી કર્યું છે પણ હજુ આ બજેટની માત્ર 25 ટકા રકમ જ ખર્ચ થઈ છે. 2015માં 96 એસટીપીને મંજૂરી આપવામાં આવી હતી પણ હજુ સુધી માત્ર 24 ટકા જ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, 29 પ્રોજેક્ટ પર કોઈ કામ શરુ નથી થયું.