નાગપુર રેલવે સ્ટેશને વિસ્ફોટક ભરેલી બેગ મળી

નાગપુરઃ પંજાબના મોહાલીમાં જાસૂસી વિભાગની મુખ્ય ઓફિસમાં થયેલા ધડાકાની વચ્ચે મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશનના મેઇન ગેટની બહાર સોમવારે સાંજે જિલેટિનની 54 સ્ટિક્સ અને એક ડેટોનેટરથી ભરેલી એક બેગ મળી હતી, જે પછી રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. એક પોલીસ કર્મચારીએ આશરે સાંજે સાત કલાકે મુખ્ય ગેટની બહાર પોલીસ બૂથની પાસે લાવારિસ બેગ પડેલી જોઈ હતી. પોલીસ કર્મચારીએ બેગની તપાસ કરી તો એમાંથી જિલેટિનની સ્ટિકનું એક પેકેટ મળ્યું હતું.એ પછી શ્વાન ટુકડી અને બોમ્બવિરોધી ટુકડીને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી, એમ એક અધિકારીએ કહ્યું હતું.

રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનોએ સલામતીના ભાગરૂપે વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે રાત્રે આશરે આઠ કલાકે બેગને કબજામાં લીધી હતી. આ ઘટનાસ્થળે બોમ્બ ડિટેક્ટર ટીમને બોલાવવામાં આવી હતી. આ બેગની તપાસ કરવામાં આવી હતી તો આ બેગમાં જિલેટિનની સાથે પાવર સર્કિટ પણ હતી, જે વિસ્ફોટ કરવામાં કામ આવે છે. આ બેગ મૂકવાવાળી વ્યક્તિની ઓળખ પોલીસ CCTV ફુટેજની તપાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

બીજી બાજુ, RPFના મધ્ય રેલવેના અધિકારી આશુતોષ પાંડેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે નાગપુર રેલવે સ્ટેશન પર સંદિગ્ધ સામાનથી ભરેલી એક બેગ મળી છે. રેલવે સુરક્ષા દળ અને બોમ્બની તપાસ કરતી ટુકડી એની તપાસ કરી રહી છે.