ગામલોકોએ શહીદના પત્નીને આપી રક્ષાબંધનની ભેટ, હથેળીઓ બિછાવી મહેલમાં…

ઈન્દોર- મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ એવું કામ કર્યું છે જેને જાણીને તમારા ચહેરા પર સ્મિત ચોક્કસથી આવી જશે. પીર પીપલિયા ગામના રહેવાસી હવાલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફ તરફથી આતંકીઓ સામેની અથડામણમાં શહીદ થઈ ગયાં. 27 વર્ષથી તેમનો પરિવાર ગામમાં એક તૂટેલા ફૂટેલા મકાનમાં રહેવા મજબૂર હતો. સરકારે તેમની કયારેય ખબર પણ લીઘી ન હતી. થોડા દિવસો પહેલાં ગામલોકોએ ફંડ એક્ઠુ કરીને 11 લાખ રૂપિયા જમા કર્યા અને શહીદની પત્ની રાજુબાઈને એક ઘર રક્ષાબંધનના દિવસે ભેટમાં આપી દીધું. આ સુંદર ઘર તેમના માટે કોઇ મહેલથી કમ નથી.

ગામલોકો દ્વારા ભેટ આપવાની રીત પણ શાનદાર, રાજૂ બાઈએ તેમના ભાઈઓના હાથ પર સવાર થઈને તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો. સરહદ સુરક્ષાદળમાં તૈનાત મોહન લાલ સુનેરનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યો હતો. કારણ કે 700 રૂપિયાનું પેન્શન પરિવારના ત્રણ લોકો માટે પર્યાપ્ત ન હતું.

આ પરિસ્થિતિ જોઈને ગામના યુવાનોએ એક ઝૂંબેશ શરુ કરી અને જોત જોતામાં તો 11 લાખ રૂપિયા થઈ ગયાં. આ પૈસાથી એક પાકુ છતવાળુ મકાન તૈયાર કરવામાં આવ્યું અને આ લોકોએ શહીદની પત્ની પાસે રાખડી બંધાવીને તેમને રક્ષાબંધનની ભેટમાં આ નવા ઘરની ચાવી સૌંપી દીધી.

 

ગામલોકોએ પીરપિપલ્યા મુખ્ય માર્ગ પર શહીદની પ્રતિમા લગાવવાની યોજના પણ બનાવી છે, સાથે જ જે સરકારી શાળામાં તેમણે અભ્યાસ કર્યો છે, તેમનું નામ પણ શહીદના નામ પર કરવાનો પ્રયત્નો શરુ કર્યા છે.