કાલિચરણની ધરપકડ પર MP-છત્તીસગઢની સરકાર સામસામે

રાયપુરઃ મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર અને નાથુરામ ગોડસેની પ્રશંસા કરનાર કાલિચરણ મહારાજની રાયપુર પોલીસે ધરપકડ કરી છે. તેમની ખજૂરાહોથી ધરપકડ કરવામાં આવી છે. જોકે તેમની ધરપકડને લઈને છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની સરકાર સામસામે આવી ગઈ છે.

રાયપુરના SP પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે કાલિચરણ મહારાજ મધ્ય પ્રદેશમા ખજૂરાહોથી 25 કિલોમીટર દૂર બાગેશ્વર ધામની પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. રાયપુર પોલીસે સવારે ચાર કલાકે તેમની ધરપકડ કરી છે. રાયપુરના ભૂતપૂર્વ મેયર પ્રમોદ દુબેએ રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કાલિચરણ મહારાજ સામે FIR નોંધાવ્યો હતો.

જોકે છત્તીસગઢ પોલીસની કાર્યવાહી પર મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ સવાલો ઊભા કર્યા હતા. તેમનું કહેવું હતું કે છત્તીસગઢની પોલીસે MPની પોલીસને આ કાર્યવાહી વિશે કોઈ માહિતી નહોતી આપી. આ ધરપકડને મિશ્રાએ સંઘીય માળખા વિરુદ્ધનું ગણાવ્યું હતું, જ્યારે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી તો મિશ્રાએ કહ્યું હતું કે છત્તીસગઢ પોલીસે મધ્ય પ્રદેશને જાણ કરવી જોઈતી હતી. તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢના DGPએ MPના DGP સાથે વાત કરવી જોઈતી હતી.

આ પૂરા વિવાદમાં છત્તીસગઢના CMએ ટોણો મારતાં લખ્યું હતું કે ન્યાય મળવામાં વિલંબ ના થવો જોઈએ, જેથી એ અન્યાય લાગવા લાગે. તેમણે કાર્યવાહીની માહિતી ટ્વીટ કરતાં કહ્યું હતું કે પોલીસે કાલિચરણ મહારાજના પરિવાર અને વકીલને ધરપકડની સૂચના આપી દીધી છે. 24 કલાકમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.