તિરુપતિઃ અહીંના ભગવાન વેંકટેશના મંદિર (તિરુપતિ મંદિર)માં ધાર્મિક ગીત-ભજનને બદલે હિન્દી ફિલ્મોના ગીતો દર્શાવવાનું-વગાડવાનું ચાલુ થઈ જતાં ત્યાં હાજર દર્શનાર્થીઓ-ભક્તોને આઘાત લાગ્યો હતો. મંદિરમાં સૌથી ઊંચે બેસાડવામાં આવેલા અને એક શોપિંગ સંકુલની સામેની તરફ મૂકાયેલા એલઈડી સ્ક્રીન પર હિન્દી ફિલ્મોના ગીતો દર્શાવવાનું ચાલુ થતાં ભક્તો સ્તબ્ધ થઈ ગયાં હતાં અને ભડકી ગયાં હતાં.
એલઈડી સ્ક્રીન પરથી ધાર્મિક ગીતો, ભજનો અને ધાર્મિક પ્રવૃત્તિઓનું પ્રસારણ કરાતું હોય છે, પરંતુ શુક્રવારે સાંજે અચાનક હિન્દી ફિલ્મોના ગીતો દર્શાવવાનું ચાલુ થઈ ગયું હતું. એ બધું આશરે 15 મિનિટ સુધી ચાલ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓએ એમનાં સેલ ફોન પર એ ઘટનાને રેકોર્ડ કરી લીધી હતી અને એના વિડિયો, ફોટાઓને સોશિયલ મિડિયા પર વાઈરલ કરાવ્યા હતા.
તિરુપતિ મંદિર દુનિયાનું સૌથી ધનવાન મંદિર ગણાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) સંસ્થા કરે છે. તેની બ્રોડકાસ્ટિંગ શાખા છે. ત્યાંના કર્મચારીઓના સુપરવિઝનમાં રહી ગયેલા અભાવને કારણે મોટા સ્ક્રીન પર ફિલ્મી ગીતો દર્શાવાની અણછાજતી ઘટના બની હતી. ભૂતકાળમાં પણ એક વાર આવું જ બન્યું હતું. એ વખતે એલઈડી સ્ક્રીન પર એક ખાનગી ચેનલ દર્શાવાનું ચાલુ થઈ ગયું હતું.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)