નવી દિલ્હીઃ દિલ્હી-NCRની આશરે 100 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. ઈમેઇલ દ્વારા મોકલવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે અમે લોકોને ઇમારતોમાં દફન કરી દઈશું.એનું સર્વર વિદેશમાં હોવાની માહિતી મળી છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ કહ્યું હતું કે આરોપીઓને છોડવામાં નહીં આવે. હાલ સ્કૂલોની બહાર પોલીસ તહેનાત છે.
તપાસ એજન્સીઓને શક છે કે જે IP એડ્રેસનો ઉપયોગ થયો છે, એનું સર્વર વિદેશમાં છે. કુલ મળીને 100થી વધુ સ્કૂલોને મળેલી ધમકીને મામલે નોએડા, ગાઝિયાબાદ, દિલ્હી પોલીસ કોર્ડિનેશનલની સાથે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ આ મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. જવાનોને સ્કૂલોની બહાર તહેનાત કરી દેવામાં આવી છે. જેથી અનિચ્છનીય ઘટના ના બને.દિલ્હીની સ્કૂલોને સવારે-સવારે બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. એવું પ્રતીત થાય છે કે આ કોલ ફેક છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.
દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય સકસેનાએ કહ્યું હતું કે પોલીસ કમિશનર સાથે દિલ્હી-NCRની સ્કૂલોમાં બોમ્બની ધમકી પર વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. દિલ્હી પોલીસને સ્કૂલોમાં તપાસ કરવા અને દોષીઓની ઓળખ કરવા અને કોઈ ચૂક ના હોવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
દિલ્હીનાં શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે બોમ્બ ઉડાવવાની ધમકી પછી સ્કૂલોને ખાલી કરવાવવામાં આવી છે. અત્યાર સુધી કોઈ સ્કૂલમાંથી કંઈ નથી મળ્યું.