નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વર્તમાન અસાધારણ પરિસ્થિતિઓમાં અર્થતંત્રને બચાવવા માટે સરકારને એક મર્યાદા સુધી મુદ્રીકરણ (મોનિટાઇઝેશન)નું સૂચન કર્યું છે. મોનેટાઇઝેશનને સામાન્ય રીતે RBI દ્વારા નોટોને છાપવા સાથે જોડીને જોવામાં આવે છે. રાજને એવા સમયે એ સૂચન કર્યું છે જ્યારે સરકાર અર્થતંત્ર પર પડતા કોરોના વાઇરસના પ્રભાવથી ઉગારવા માટે પૈસા એકત્ર કરવાના પ્રયાસ કરી રહી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન બજારથી ઋણ લેવાની મર્યાદામાં 54 ટકાનો વધારો કરતાં એને 12 લાખ કરોડ કરી દીધા છે.
સરકારે રાજકોષીય ખાધને પણ ધ્યાન રાખવી જોઈએ
રાજને એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે સરકારે અર્થતંત્રની ચિંતા કરવી જોઈએ અને આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ કરવો જોઈએ. પ્રાથમિકતાને આધારે ખર્ચ કરવો જોઈએ અને અનાવશ્યક ખર્ચામાં ઘટાડો કરવો જોઈએ. રાજને બ્લોકમાં લખ્યું છે કે સરકારે રાજકોષીય ખાધને પણ ધ્યાન રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મોનેટાઇઝેશન ક્યારેય મોટું પરિવર્તન લાવવામાં સક્ષમ સાબિત નથી થયું.
મોનેટાઇઝર ના તો ગેમ ચેન્જર છે અને ના તો બહુ મોટી ખાનાખરાબી કરશે
તેમણે કહ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મોનેટાઇઝર ના તો ગેમ ચેન્જર છે અને ના તો બહુ મોટી ખાનાખરાબી લાવશે. હા, આનાથી થોડી મદદ મળી શકે છે, પણ આનાથી સરકારની નાણાકીય મુશ્કેલીઓને હલ ના કરી શકાય અને ના તો આનાથી મોંઘવારી દર બહુ ઉપર જતો રહેશે. જો આનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવ્યો તો એ સમસ્યા ઊભી કરશે.