નવી દિલ્હી- તિહાડ જેલમાં સજા ભોગવી રહેલાં હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાના સેલની તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ જ જેલમાં બંધ તેમના પુત્ર અજય ચૌટાલાની પાસેથી નશીલા પદાર્થો મળી આવ્યાં છે. બંનેને સજા માટે જેલ સુપરિન્ટેન્ડન્ટ જેલ વિઝિટિંગ જજને ફાઈલ મોકલશે.
ચૌટાલા પિતા-પુત્ર જેબીટી શિક્ષણ ભરતી કૌભાંડ મામલે સજા ભોગવી રહ્યાં છે. તિહાર જેલના મહાનિર્દેશકના આદેશ પર જેલ નંબર 2માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તમિલનાડુ સ્પેશિઅલ પોલીસના 15 જવાનો સહિત 21 લોકોની ટીમે જેલમાં તપાસ કરી હતી. આ ટીમ જ્યારે વોર્ડ 3માં સ્થિત ચૌટાલાના કોઠરીમાં પહોંચી ત્યારે ચૌટાલા ઉંઘી રહ્યાં હતાં. તેમનો સેવાદાર ત્યાં હતો. ટેબલ પર આઈફોન પડ્યો હતો. એર કુલર અને ઈન્ડક્શન ચૂલો પણ ત્યાંથી મળ્યો છે. જેલમાં આ તમામ વસ્તુઓ રાખવાની મંજૂરી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે, મોબાઈલ સેવાદાર રાખતો હતો. આ જ જેલમાં છોટા રાજન અને શહાબુદ્દીન પણ સજા ભોગવી રહ્યાં છે. હાઈ સિક્યોરિટી જેલ હોવાને કારણ તેમના કેદખાનામાં તપાસ નહતી કરવામાં આવી.
પોલીસે જણાવ્યું કે, આ મામલે એ તપાસ કરવામાં આવી રહી છે કે, શું ચૌટાલા કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા? જે સેલમાંથી આ પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી છે તેમાં બે અન્ય કેદીઓ પણ રહે છે. આ કેદીઓમાંથી એક કેદીએ પ્રતિબંધિત વસ્તુઓની જવાબદારી લીધી છે.