નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ સ્થિતિમાં ઘરે રહેતા લોકો મોબાઈલ અને હોમ બ્રોડબેન્ડ સર્વિસીસનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીઓનું કહેવું છે કે,આનાથી ઈન્ટરનેટ સ્પીડ ઘણી ઘટી ગઈ છે. એક અભ્યાસ અનુસાર લોકડાઉનમાં વિડિયો જોવામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. આ કારણે ઈન્ટરનેટ સ્પીડમાં લગભગ 20 ટકા સુધીનો ઘટાડો નોંધોયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, લોકડાઉન હજુ લાબું ચાલશે જેથી હજુ પણ ઈન્ટરનેટની સ્પીડમાં 25થી 30 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.
ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ISPAI) ના અધ્યક્ષ રાજેશ છારિયાએ કહ્યું કે, આગામી થોડાક સપ્તાહમાં ડેટાના ઉપયોગમાં હજુ વધારો થશે. બેગ્લુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં લોકડાઉન પછીથી ઈન્ટરનેટ ડેટા કન્ઝમ્પશનમાં લગભગ 70 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. એક અનુમાન મુજબ લોકડાઉનથી અત્યાર સુધીમાં ઈન્ટરનેટ ડેટાના વપરાશમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.
જવાબદારી સાથે ડેટાનો ઉપયોગ કરવાની અપીલ
જવાબદારી સાથે ડેટા ઉપયોગ કરવો જોઈએ જેથી ડેટા કન્ઝેશનના આ નવા પડકારનો સામનો કરી શકાય ખાસકરીને સવારે 9 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે અને સાંજે 4 થી 9 વાગ્યા વચ્ચેના પીક અવર્સમાં. જેથી કરીને જરૂરીયાતવાળા લોકોને સ્પીડ મળી રહે.
ભારતમાં અત્યારે લગભગ 68.76 કરોડ ઈન્ટરનેટ યુઝર છે. જેમાંથી માત્ર 2.23 કરોડ યુઝર જ વાયર બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. બાકી વધેલા લગભગ 66.5 કરોડ યુઝર મોબાઈલ અને વાયરલેસ નેટવર્ક પર નિર્ભર છે. દેશભરમાં કોરોનાને કારણે 25 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન શિક્ષણ, મનોરંજન જેવી તમામ એક્ટિવિટી માટે લોકો બ્રોડબેન્ડ અને મોબાઈલ ઈન્ટરનેટ પર નિર્ભર છે.
મહત્વનું છે કે, છેલ્લા બે સપ્તાહમાં રેસિડેન્શિયલ એરિયામાંથી કામ કરનારા યુઝર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, જેથી સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. હાલતો 9થી10 એમબીપીએસ વચ્ચે સ્પીડ રહેશે પણ જો આવી સ્થિતિ વધુ એક મહિના સુધી ચાલુ રહી તો આમા 25થી 30 ટકાનો ઘટાડો આવી શકે છે.