ચેન્નાઈઃ 234 સભ્યોની તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિરોધપક્ષ દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે) અને કોંગ્રેસના જોડાણે 156 સીટ પર જીત મેળવીને સત્તા કબજે કરી છે. શાસક ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુકના ઉમેદવારો માત્ર 78 સીટ જીતી શક્યા છે. બહુમતી માટે 118 સીટ મેળવવી પડે. રાજ્યમાં ગઈ 6 એપ્રિલે મતદાન થયું હતું. ડીએમકે પાર્ટી 10 વર્ષ પછી રાજ્યમાં ફરી સત્તા કબજે કરશે.
ડીએમકે પાર્ટીએ 123 સીટ જીતી છે જ્યારે એના સમર્થક કોંગ્રેસના 17 ઉમેદવાર વિજયી થયા છે. આ જોડાણના અન્ય પક્ષોએ 16 બેઠક પર જીત મેળવી છે. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કરૂણાનિધિના પુત્ર અને ડીએમકેના વર્તમાન પ્રમુખ એમ.કે. સ્ટાલીન કોલાથુર બેઠક પર અને એમના પુત્ર ઉદયનિધિ સ્ટાલીન ચેપોક-થિરુવલીકાની બેઠક પર વિજયી થયા છે. એમ.કે. સ્ટાલીન મુખ્ય પ્રધાન બનશે. રાજ્યના મુખ્ય પ્રધાન અને એઆઈએડીએમકેના નેતા કે. પલાનીસ્વામી એમના વતનના મતવિસ્તાર ઈડપ્પાડી (સલેમ જિલ્લો)માં સરસાઈમાં હતા. ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુક પાર્ટીએ 67, એને સમર્થન આપનાર ભાજપે 4, પીએમકે પાંચ તથા અન્ય એક પક્ષે 1 બેઠક જીતી છે.