કેન્દ્રીય મંત્રીઓએ ઓફિસથી શરુ કર્યુ કામ

નવી દિલ્હી: કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉન પૂર્ણ થવાના એક દિવસ પહેલા મોદી સરકારના કેટલાક મંત્રીઓએ આજથી તેમના કાર્યાલયો ખાતેથી કામ શરુ કર્યું છે. લોકડાઉનનો હાલનો તબક્કો 14 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે. જો કે ત્યાર પછી પણ લોકડાઉન લંબાવાઈ તેવા સંકેતો મળી રહયા છે.

મળતી માહિતી અનુસાર તમામ કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓને સોમવારથી ઘરના બદલે ઓફિસથી કામ શરૂ કરવા જણાવી દેવાયું છે. દેશના  અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે લોકડાઉન પછીની યોજનાઓ તૈયાર કરવા મંત્રીઓને જણાવાયું છે. કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે કેન્દ્રીય મંત્રીઓ હાલ મંત્રાલયના બદલે ઘરેથી જ કામ કરી રહ્યા છે.

કોરોનાના પડકાર વચ્ચે કેન્દ્ર સરકાર હવે ‘જાન ભી જહાન ભી’ રણનીતિ હેઠળ સરકારી કામકાજે ફરી પાટા પર લાવવાની કવાયત કરી રહી છે. મહત્વનું છે કે, શનિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. ત્યારે પછી વડાપ્રધાન મોદીએ લોકડાઉન આગળ ધપાવવાના સંકેત આપ્યા. જો કે, અર્થવ્યવસ્થાને બચાવવા માટે કેટલાક ક્ષેત્રો અને મામલાઓમાં ઢીલાશ આપવામાં અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

રેડ- ઓરેન્જ, ગ્રીન ઝોનમાં વિભાજિત કરવાની સંભાવના

આ દરમ્યાન લોકડાઉન હટાવવા માટે કેટલાક તબક્કાઓમાં કામ શરુ થઈ ગયું છે. દેશને ત્રણ ઝોનમાં વહેચવાની કવાયદ શરુ કરવામાં આવી રહી છે. જે હેઠળ ગ્રીન, ઓરેન્જ, અને રેડ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. લોકડાઉનને આ ઝોન મુજબ લાગૂ કરવામાં આવશે.

રેડ ઝોન – કોરોનાના નોંધપાત્ર કેસો હોય તેવા જિલ્લાઓ અથવા હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવામાં આવશે, જ્યાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે.

ઓરેન્જ ઝોન – પોઝિટિવ કેસોની સંખ્યા વધી ન હોય અને જ્યાં બહુ ઓછા કેસ નોંધાયા હોય તેવા વિસ્તારોમાં મર્યાદિત જાહેર પરિવહન ખોલવા જેવી લઘુત્તમ પ્રવૃત્તિઓ, કૃષિ પેદાશોની લણણી વગેરેને મંજૂરી આપવી.

ગ્રીન ઝોન – કોવિડ-૧૯ કેસો ન હોય તેવા જિલ્લાઓમાં કામકાજને મંજૂરી આપવામાં આવે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે કર્મચારીઓ માટે યોગ્ય ઈન-હાઉસ સુવિધાઓ સાથે કેટલાક એમએસએમઈ ઉદ્યોગોને કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવા પણ સરકારની વિચારણા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]