જોધપુરઃ કારગિલ યુદ્ધમાં ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થનારું ફાઈટર એરક્રાફ્ટ મિગ-27 હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના આ ફાઈટર પ્લેનમાં 1999 માં થયેલા કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આને લઈને પાયલટ આને “બહાદુર” નામથી બોલાવે છે.
કર્નલ સંબિત ઘોષે જણાવ્યું કે, 27 ડિસેમ્બરના રોજ સાત મિગ-27 નું સ્કોડ્રન જોધપુર એરબેઝથી છેલ્લી વાર ઉડ્યું. સાતેય પ્લેન આજે જ રિટાયર થઈ ગયા. હવે આ પ્લેન દેશમાં ક્યાંય પણ ઉડી શકશે નહી. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જોધપુરમાં ઉપસ્થિત મિગ-27 નું સ્કોડ્રન જ અંતિમ સ્કોડ્રન છે.
નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, જોધપુર એરબેઝથી રિટાયર થતા જ મિગ 27 ન માત્ર ભારતનો ઈતિહાસ બની જશે પરંતુ આખી દુનિયામાં આ જ તેનું અંતિમ ફ્લાય હશે. આનું કારણ એ છે કે હવે કોઈપણ દેશ મિગ-27 નો ઉપયોગ કરતો નથી. કર્નલ સંબિત ઘોષે જણાવ્યું કે હજી એ નક્કી થયું નથી કે રિટાયર થઈ રહેલા મિગ-27 પ્લેનનું શું કરવામાં આવશે. સામાન્ય રીતે આ પ્રકારના વિમાનો અથવા હથિયારોને કાં તો ક્યાંક સ્મારક તરીકે રાખી દેવામાં આવે છે અથવા તો બેઝ અથવા ડેપોને આપી દેવામાં આવે છે. ઘણીવાર રિટાયર થઈ રહેલા વિમાનોને મિત્ર દેશોને પણ આપી દેવામાં આવે છે. કર્નલ ઘોષે જણાવ્યું કે જોધપુર એરબેઝમાં મિગ-27 ના બે સ્કોડ્રન હતા, જેમાં એક આ વર્ષે રિટાયર થઈ ચૂક્યું છે અને આ છેલ્લું સ્કોડ્રન છે.