નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલે કહ્યું છે કે કોરોનાવાઈરસ સામેનો જંગ હજી પૂરો થયો નથી અને માસ્ક પહેરવાનું 2022માં પણ ચાલુ રાખવું પડશે. એનડીટીવી સાથેની વાતચીતમાં, ડો. પૌલે કહ્યું કે આ મહામારીનો અંત લાવવા માટે રસીકરણ, અસરકારક દવા લેવી અને શિસ્તબદ્ધ રીતે સામાજિક અંતર રાખવા જેવા નિયમોનું પાલન કરવાનું આવશ્યક રહેશે.
પીઢ બાળરોગ નિષ્ણાત ડો. પૌલે ભારતમાં મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવનાને નકારી નથી. એમણે લોકોને ચેતવ્યા છે કે જાહેરમાં ઉત્સવો ઉજવતી વખતે કોરોના-વિરોધી નિયમોનું કડક રીતે પાલન કરવું. માસ્ક પહેરવાનું બંધ થવાનું નથી… એ તો હજી ચાલુ રહેશે… આપણે આવતું આખું વર્ષ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું પડશે.
