મનોહરલાલ ખટ્ટરે નારાજ કુમારી શૈલજાને આપી ઓફર

નવી દિલ્હીઃ હરિયાણામાં જેમ-જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. હવે ભાજપે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કુમારી શૈલજાને મોટી ઓફર આપી છે.રાજ્યના ભૂતપૂર્વ CM અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે એક સભામાં કહ્યું હતું કે કુમારી શૈલજાનું કોંગ્રેસમાં અપમાન થયું છે અને અમે તેમને અમારી સાથે લેવા માટૈ તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે કુમારી શૈલજાને ગાળો આપવામાં આવી છે અને તેઓ ઘેર બેઠાં છે. તેમણે એ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દર હુડ્ડાને જવાબદાર ઠેરવ્યા હતા.

કોંગ્રેસ પર નિશાન સાધતાં મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે અપમાન પછી તેમને કોઈ શરમ ના આવી. અમે કેટલાય નેતાઓને પક્ષમાં લીધા છે અને જો શૈલજા તૈયાર હોય તો તેમને પણ અમે પક્ષમાં લેવા તૈયાર છીએ. હવે રાજ્યમાં કુમારી શૈલજાને લઈને અનેક અટકળો શરૂ થઈ છે.

બીજી બાજુ, કોંગ્રેસનાં સાંસદ કુમારી શૈલજા પાર્ટીથી નારાજ થયાં છે. એવું કહેવાય છે કે ટિકિટ વહેંચણી મુદ્દે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના કેમ્પને વધુ પ્રાધાન્ય અપાતાં તેઓ નારાજ થયાં છે. આ જ કારણે શૈલજા એક અઠવાડિચાથી પ્રચારમાં જોવા મળ્યા નથી. તેમણે છેલ્લા આઠ દિવસથી એક પણ પ્રેસ રિલીઝ જાહેર કરી નથી. જોકે આ દરમિયાન તેઓ સમર્થકો સાથે મુલાકાત કરતા રહ્યા છે. સૂત્રો મુજબ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો સતત મુલાકાતો કરી રહ્યા છે.

ચૂંટણી પ્રચારમાં સાંસદ કુમારી શૈલજા ન દેખાતાં ઘણા સવાલો ઊઠ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસે હરિયાણાની 90 બેઠકોમાંથી 89 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ હુડ્ડાના કહેવા પર પાર્ટીએ 72 ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કુમારી શૈલજાના જૂથમાં નવ ટિકિટો આપવામાં આવી છે.