પુણેઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોનાવલા નજીક એક ઓવરબ્રિજ પર આજે એક ઓઈલ ટેન્કરને અકસ્માત નડતાં ઓછામાં ઓછા ચાર જણનું મરણ નિપજ્યું છે અને ટેન્કરના ડ્રાઈવર સહિત 12 જણ જખ્મી થયાં છે. ડ્રાઈવરની હાલત ગંભીર છે. રસ્તા પર મોટી આગ ફાટી નીકળતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો. હાલ એક્સપ્રેસવે પર માત્ર એક જ બાજુનો ઉપયોગ થતો હોવાથી વાહનોની અવરજવર અટકી ગઈ હતી.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિકને લોનાવલા શહેરની અંદરથી વાળવામાં આવી રહ્યો હતો.
અકસ્માત કુણે પૂલ પર થયો હતો. ટેન્કરમાં રસાયણ ભર્યું હતું. તે પલટી ખાઈ ગયા બાદ એમાં આગ લાગી હતી. તે ટેન્કરમાંનું રસાયણ રસ્તા પર ઢોળાયું હતું. એને કારણે એક ટૂ-વ્હીલર રસ્તા પર સરકી ગયું હતું. પરિણામે તેની પર બેઠેલો 12-વર્ષનો એક છોકરો મૃત્યુ પામ્યો હતો અને તેના માતા-પિતા ગંભીર રીતે જખ્મી થયા છે.
ઓઈલ ટેન્કર ઊંધી વળી ગઈ હતી અને એમાં લાગેલી આગની જ્વાળાઓ 10 ફૂટ ઊંચે સુધી ગઈ હતી. ઓવરબ્રિજ પર ઢોળાયેલું તેલ બ્રિજની નીચેથી પસાર થતા રસ્તા ઉપર પણ પડ્યું હતું અને ત્યાં પણ આગ લાગી હતી.