નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચમા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધી 36.73 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાની તથા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લા જેવા મુખ્ય નેતાઓના ચૂંટણી ભાગ્યનો નિર્ણય થવાનું છે.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે એક કલાક સુધી બિહારમાં 34.62, જમ્મુ-કાશ્મીરમાં 34.79, લડાખમાં 52 ટકા, ઝારખંડમાં 41.89 ટકા, મહારાષ્ટ્રમાં 27.78, ઓડિશામાં 21.1 ટકા ઉત્તર પ્રદેશમાં 39.55, અને પશ્ચિમ બંગાળમાં 48.41 ટકા મતદાન થયું હતું.
લોકસભા સીટોના પાંચમા તબક્કામાં ઓડિશામાં પાંચ લોકસભા સીટો અને 35 વિધાનસભા સીટો માટે ચૂંટણી થઈ રહી છે. UPની 14 સીટો પર મતદાન થઈ રહ્યું છે. 49 સીટો પર થનારી ચૂંટણીમાં 82 મહિલાઓ સહિત કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે, જે આઠ રાજ્યોમાં સીટો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઝારખંડની ત્રણ સીટો, ઓડિશાની પાંચ, ઉત્તર પ્રદેશની 14, બિહારની પાંચ, મહારાષ્ટ્રની 13 અને પશ્ચિમ બંગાળની સાત અને લદ્દાખની સીટ સામેલ છે.
પાંચમા તબક્કામાં 4.26 કરોડ મહિલાઓ અને 5409 થર્ડ જેન્ડર મતદાતાઓ સહિત કુલ 8.95 કરોડથી વધુ લોકો મતદાનને પાત્ર છે અને 94.732 મતદાન કેન્દ્રો પર 9.47 લાખ મતદાન અધિકારી તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર તબક્કામાં આશરે 45.1 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધી 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 379 સીટો માટે મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં ક્રમશઃ 25 મેએ અને પહેલી જૂને છે. મતોની ગણતરી ચોથી જૂને થશે.