પટણાઃ 2019ની સામાન્ય ચૂંટણીમાં કારમી હાર બાદ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માં સંગઠન કક્ષાએ એક મોટો ફેરબદલ કરાયો છે. આ અંતર્ગત પાર્ટીએ તેના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક જગદાનંદસિંઘને બિહારના પ્રદેશ પ્રમુખ બનાવ્યાં છે. તેઓ લાલુપ્રસાદ યાદવના નજીકના નેતાઓમાંના એક રહ્યાં છે.
જગદાનંદની નવી જવાબદારી લાલુના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ અને નાના પુત્ર તેજસ્વીપ્રસાદ યાદવ વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે. આ સાથે રાજપૂત નેતાને પ્રદેશ પ્રમુખની કમાન આપવા પાછળ આરજેડીના સોશિઅલ એન્જીનિયરિંગનો પણ પ્રયાસ છે. જ્યારે રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી હતા, ત્યારે જગદાનંદ સિંહનું કદ સરકારમાં સૌથી મોટું માનવામાં આવતું હતું. જગદાનંદ સિંહના પ્રદેશ પ્રમુખ બનવાને લાલુ પ્રસાદની પાર્ટીમાં હસ્તક્ષેપ તરીકે પણ જોવામાં આવે છે.
જગદાનંદના નામના પ્રસ્તાવકોમાં આરજેડીના વડાની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના રાજકીય અનુગામી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વીપ્રસાદ યાદવ, પાર્ટીના અન્ય અધિકારીઓ અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
જગદાનંદ એવા સમાજવાદી નેતાઓમાં શામેલ છે જે વિવાદોથી દૂર રહ્યાં છે અને પક્ષના તમામ પક્ષોને આદર આપે છે. ઉમેદવારી નોંધાવ્યા પછી જગદાનંદે કહ્યું હતું કે ‘પાર્ટીની શરૂઆતથી જ અમે લાલુ પ્રસાદની સાથે છીએ. 36 દિવસમાં, વર્ષ 2020 પ્રારંભ થશે. તેજસ્વી યાદવના યુવા નેતૃત્વ હેઠળ આગામી વર્ષમાં સામાજિક ન્યાય અને સાંપ્રદાયિક સંવાદિતા માટેની લડતને આગળ ધપાવવાનો સંકલ્પ છે. ‘