શરમજનક સ્થિતિ નિવારવા ફડણવીસે રાજીનામું આપી જ દીધુંઃ હવે રાજ્યપાલ પર નજર

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય નાટકમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. આવતીકાલે ફ્લોર ટેસ્ટના સુપ્રીમના આદેશ પહેલા ગયા શનિવારે નાયબમુખ્યમંત્રી બનેલા અજીત પવારે રાજીનામું આપી દીધુ છે. તો સીએમ બનેલા દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, હું રાજ્યપાલને મારુ રાજીનામું સોંપી દઈશ. ફડણવીસે સ્વીકારી લીધું છે કે, અમારી પાસે બહુમત નથી.  ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં શિવસેના પર સોદાબાજીનો આરોપ લગાવ્યો છે.

ફડણવીસે કહ્યું કે, અજીત પવારે મને મળીને કહ્યું કે, તે આ સરકારને સમર્થન કરી શકે તેમ નથી અને તેમણે મને રાજીનામું આપી દીધુ. તેમના રાજીનામાં બાદ અમારી પાસે સરકાર બનાવવા માટે બહુમત ન હતો જેથી પાર્ટીએ નિર્ણય લીધો અને મેં પણ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.

ફડણવીસે કહ્યું કે, ભાજપે પહેલા જ કહ્યું હતું કે, તે હોર્સ ટ્રેડિંગ નહીં કરે. અમારા પર જે હોર્સ ટ્રેડિંગનો આરોપ લાગાવી રહ્યા છે તે લોકો સંપૂર્ણ તબેલો જ ખરીદી લે છે.

ફડણવીસે શિવસેના પર અસ્થિરતાનો આરોપ લગાવતા કહ્યું કે, નવી સરકારને મારી શુભકામના હવે અમે વિપક્ષનું કામ કરીશુ. હવે અમે નવી સરકારને કામ કરતા શિખવશું. ત્રણ પૈડા વાળી સરકાર લાંબી નહીં ચાલી શકે. ત્રણેય પાર્ટીની સરકાર પોતાના જ બોજા હેઠળ દબાઈ જશે. ત્રણેય પૈડાઓ ત્રણ અલગ અલગ દિશામાં ચાલશે અને મહારાષ્ટ્ર જેવા અડગ રાજ્યની શું પરિસ્થિતિ હશે એ અંગે કલ્પના પણ કરી શકાય તેમ નથી.

ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, શિવસેનાએ મુખ્યમંત્રી પદ માટે અમને ધમકી આપી. અમે 2.5-2.5 વર્ષના સીએમ પદ પર કોઈ વાત નહતી કરી. મેં કાલે જોયું કે, શિવસેનાના નેતા સોનિયા જીની કસમ ખાઈ રહ્યા હતા, પણ આ તેમનો અંગત વિષય છે. શિવસેના પોતાને હિન્દુત્વવાદી પાર્ટી કહે છે પણ તેમનું હિન્દુત્વ અત્યારે સોનિયા ગાંધીના ચરણોમાં છે. ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો અને સાથે અમિત શાહ અને જેપી નડ્ડાનો પણ આભાર માન્યો હતો.

મહારાષ્ટ્ર મુદ્દે અહેમદ પટેલે ટ્વીટ કર્યું હતું કે માત્ર સત્તા હડપ કરવા માટે આવા ગેરકાયદે પગલાં દ્વારા એમણે ભારતના સંવિધાન તથા ઉચ્ચ હોદ્દાને જે નુકસાન કર્યું છે એની સરભરા કરવામાં દાયકા લાગશે.

પાંચ વર્ષ મુખ્યમંત્રી રહેશે ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શરૂ થયેલી રાજકીય ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે જાહેરાત કરી છે કે, આજે સાંજે ઉદ્ધવ ઠાકરેની નેતા તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. પાંચ વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહેશે. તે સિવાય તેમણે કહ્યું છે કે, અજીત પવાર અમારી સાથે છે.

મોદી-અમિત શાહે મહારાષ્ટ્ર મુદ્દે કરી બેઠક

મહારાષ્ટ્રમાં સત્તાની ખેચતાણ હવે દિલ્હી સુધી પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. ત્યાર પછી દરેક રાજકીય પક્ષ એક્ટિવ થઈ ગયા છે. દિલ્હીમાં પણ મંગળવારે વડાપ્રધાન મોદીએ બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે બેઠક કરી હતી. મહારાષ્ટ્ર મામલે કરવામાં આવેલી આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ સિવાય બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]