સબરીમાલા કેસઃ ચુકાદા પહેલાં જાણી લો કે શું હતો વિવાદ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે એ પહેલા તેમણે કેટલાક ઐતિહાસિક ચૂકાદાઓ આપવાના છે, એમા રામમંદિરની સાથે સાથે સબરીમાલા મંદિર કેસનો પણ સમાવેશ થાય છે. સબરીમાલા મંદિરનો મામલો મહિલાઓને મંદિરામાં પ્રવેશ સાથે જોડાયેલો છે. 11 જુલાઈ 2016ના સુપ્રીમ કોર્ટે આ મામલાને મૌલિક અધિકારોનું હનન કરતા 2017માં પાંચ સભ્યોની બંધારણીય પીઠને સોંપ્યો હતો. મહત્વનું છે કે, ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આ મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સર્વોચ્ચ સ્થાન છે. અહીં તેમને દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે જેથી મંદિરમાં તેમના પ્રવેશને રોકવો સ્વીકાર્ય નહીં હોય.

આ મામલે કામ કરનારી પાંચ સભ્યોની પીઠમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ નરીમન, ન્યાયમૂર્તિ ઈન્દૂ મલ્હોત્રા, ન્યાયમૂર્તિ ડી.વાઈ.ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એમ.એમ ખાનવિલકર સામેલ હતાં. આ મામલે 4 જજોનો એક સરખો મત હતો જ્યારે ન્યાયમૂર્તિ ઈન્દૂ મલ્હોત્રાનો મત અલગ હતો. તેઓ આ મામલે મહિલાઓને પ્રવેશની વિરુદ્ધમાં હતા. તેમનું કહેવું હતું કે, ધાર્મિક મામલાઓમાં સુપ્રીમ કોર્ટ દખલ ન કરવી જોઈએ. કોર્ટના આ નિર્ણયનો કેરળ અને કેટલાક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર લોકોનું કહેવું હતું કે, ભગવાન અયપ્પા બ્રહ્મચારી હોવાથી, અહીં 10 વર્ષથી 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

 

શું હતો સમગ્ર વિવાદ

આ વિવાદની શરુઆત એ સમયે થઈ જ્યારે મંદિરના મુખ્ય જ્યોતિષિ પરપ્પનગડી ઉન્નીકૃષ્ણને કહ્યું કે, ભગવાન અયપ્પાની શક્તિ મંદિરમાં મહિલાના પ્રવેશ કરવાને કારણે નબળી પડી રહી છે. ત્યારબાદ દક્ષિણ ભારતની અભિનેત્રી જયમાલાએ કહ્યું કે 1987માં તે તેમના પતિ સાથે મંદિરમાં દર્શન માટે ગઈ હતી પણ મંદિરમાં ખુબજ ભીડ હોવાને કારણે ધક્કા-મુક્કીમાં તે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગઈ હતી અને ભગવાન અયપ્પાના ચરણોમાં પડી ગઈ. એ સમયે ત્યાં હાજર પૂજારીએ અભિનેત્રીને ફૂલ પણ આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેમના આ કૃત્યથી અયપ્પા નારાજ થયા છે જેનું હવે તેણે પ્રાયશ્ચિત કરવુ પડશે. આ દાવા પછી મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. આ દાવા પછી જ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવાનો મામલો સામે આવ્યો. 1990માં આની વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

 

મહિલાઓની વિરુદ્ધમાં હતો હાઈકોર્ટનો નિર્ણય

1991માં કેરળ હાઈકોર્ટે મહિલાઓ વિરુદ્ધ નિર્ણય આપતા કહ્યું કે, સદીઓ જૂની પરંપરા સાચી છે. માસિક ધર્મની ઉંમરવાળી મહિલાઓનો મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ ન તો બંધારણ કે ન તો કેરળના કાયદાનું ઉલ્લંઘન છે. હાઈકોર્ટે તેમના નિર્ણયમાં મહિલાઓના પ્રવેશને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરીને મંદિરના નિર્ણયને માન્ય રાખ્યો.

સુપ્રીમ કોર્ટમાં મામલો

કેરળના યંગ વકીલ એસોસિએશને વર્ષ 2006માં આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. આ અરજી પર કોર્ટે મંદિરના ટ્રસ્ટ ત્રાવણકોર દેવાસમ બોર્ડ પાસેથી જવાબ માગ્યો હતો. બોર્ડે તેમના જવાબમાં કહ્યું કે, ભગવાન અયપ્પા બ્રહ્મચારી હોવાથી, અહીં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. બોર્ડે મહિલાઓના માસિક ધર્મને મુખ્ય કારણ ગણાવ્યું.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

નવેમ્બર 2017માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે સબરીમાલા મંદિરમા દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ અપાવના પક્ષમાં છે. એ વર્ષે એલડીએફ સરકારે આ મુદ્દે સકારાત્મક વલણ દાખવ્યું હતું. જોકે, ત્યારપછી રાજ્યમાં બનેલી કોંગ્રેસના નેતૃત્વ વાળી યૂડીએફ સરકારે તેમનું વલણ બદલી નાખ્યું હતું. ચૂંટણીમાં હાર મળ્યા બાદ યૂડીએફ એ ફરી કહ્યું કે, તે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની વિરુદ્ધમાં છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો મોટાભાગના લોકોએ વિરોધ કર્યો હતો. યૂડીએફ સરકારનું કહેવું હતું કે, આ પરંપરા છેલ્લા 1500 વર્ષથી ચાલી આવે છે. એટલું જ નહીં ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઈએ પણ વિવાદ પછી સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની વાત કહી હતી. બંધારણીય પીઠના નિર્ણય પર ફરી વખત વિચાર કરવા માટે કોર્ટમાં પુનવિચાર અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ મામલે જલ્દી સુનાવણીનો ઈનકાર કરી દીધો.

આ અરજી નાયર સમુદાયની સંસ્થા તેમજ દિલ્હીની ચેતના કન્સાઈંસ ઓફ વુમન, નેશનલ અયપ્પા ડિવોટી એસોસિએશન, ભગવાન અયપ્પાના જન્મસ્થળ સાથે જોડાયેલ પંડાલમ પેલેસ તેમજ મહિલા ભક્તોની સંસ્થા પીપુલ ઓફ ધર્મા તરફથી દાખલ કરવામાં આવી હતી.

મંદિરની વાત કરીએ તો, મંદિર સુધી પહોંચવા માટે 18 સીડીઓ ચઢવી પડે છે, જેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ 41 દિવસનું વ્રત રાખે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ કાળા અથવા વાદળી રંગના કપડા પહેરે છે. જ્યાં સુધી આ યાત્રા પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી શ્રદ્ધાળુ દાઢી પણ નથી કરાવતા.