કર્ણાટક ચૂંટણીઃ હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ પર ગુરુ-શિષ્યની લડાઈ

 બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાનની સાથે બધાની નજર કેટલાક મુખ્ય ચૂંટણી વિસ્તારો પર ચોંટેલી છે. આગામી કર્ણટક વિધાનસભાની ચૂંટણીમાં હુબલી-ધારવાડ સેન્ટ્રલ ચૂંટણી ક્ષેત્રમાં જંગ વધુ રસપ્રદ થવાનો છે, કેમ કે બે મુખ્ય લિંગાયત નેતાઓની વચ્ચે ગુરુ-શિષ્યની લડાઈએ આ બેઠક પર ચૂંટણી ગરમાવો વધારી દીધો છે.

મહેશ તેંગિંકાઇએ 18 એપ્રિલે હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ માટે પોતાનું નામાંકન દાખલ કરતાં પહેલાં જગદીશ શેટ્ટાર પાસે આશીર્વાદ માગ્યા હતા. તેમણે કહ્યું હતું કે જગદીશ શેટ્ટાર મારા ગુરુ છે એ લડાઈ એક ગુરુ અને તેમના શિષ્ય વચ્ચે છે. મને વિશ્વાસ છે કે મારા ગુરુ મને આશીર્વાદ આપશે.

હું મહેશ તેંગિકાઈનો ગુરુ નથીઃ શેટ્ટાર

બીજી બાજુ, જગદીશ શેટ્ટારે કહ્યું હતું કે હું ના તો મહેશ તેંગિંકાઈનો ગુરુ છું અને ના તો તે મારા શિષ્ય છે. તેમના ગુરુ દિલ્હીમાં છે અને તેઓ દિલ્હીમાં પોતાના ગુરુના વફાદાર શિષ્ય છે. BL સંતોષ તેમના ગુરુ છે અને તેમને કારણે તેમને ટિકિટ મળી છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી તેંગિંકાઈ પર છેલ્લા છ-સાત મહિનામાં તેમની સામે દુષ્પ્રચાર ઝુંબેશ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

શેટ્ટારે વધુમાં કહ્યું હતું કે તેમનું શું યોગદાન છે? માત્ર એક પદાધિકારી હોવું પૂરતું નથી. હુબલીના લોકો ચૂંટણીના મતક્ષેત્રમાં પોતાના પ્રતિનિધિની ભાગીદારી ઇચ્છે છે. માત્ર ભાજપથી ટિકિટ હાંસલ કરવી પૂરતી નથી. કર્ણાટકમાં 10 મેએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં ભાજપ છોડ્યાના એક દિવસ પછી શેટ્ટાર કોંગ્રેસમાં સામેલ થયા હતા.