નવી દિલ્હીઃ કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે હિંદૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી કેસમાં ફરાર કથિત હત્યારાઓ અશફાક અને મોઈનુદ્દીનની ધરપકડ કરી લીધી છે. બંન્નેની ધરપકડ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરવામાં આવી છે. એક દિવસ જ પહેલા જ કમલેશ તિવારી હત્યામાં શામિલ બે લોકો પૈકી કોઈ એકની સૂચના આપનારા વ્યક્તિને 2.50 લાખનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો આ સૂચના બંન્ને માટે આપવામાં આવે તો 5 લાખ રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપી દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસના ડીઆજી હિમાંશુ શુક્લાએ કહ્યું કે કમલેશ તિવારીની હત્યાના બે વોન્ટેડ આરોપી અશફાક અને મોઈનુદ્દીન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બંન્ને આરોપીઓની ધરપકડ ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે શામળાજીથી થઈ છે. તેમણે કહ્યું કે અમારી પાસે ઈનપુટ હતા કે બંન્ને આરોપી ગુજરાતમાં દાખલ થઈ રહ્યા છે. ત્યારબાદ અમે બોર્ડર પર વોચ ગોઠવી અને તેમની ધરપકડ કરી લીધી.
બંન્નેની ઓળખ કરી લેવામાં આવી હતી. બંન્ને આરોપી સૂરતના રહેવાસી છે જ્યાંથી ત્રણ અન્ય લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જો કે પોલીસે આ બંન્ને લોકોના નામોનો પહેલા ખુલાસો કર્યો નહોતો. બંન્ને હત્યારાઓને લખનઉમાં અનેક જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં જોવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ કમલેશ તિવારીને નાકા હિંડોળા વિસ્તારમાં તેમના કાર્યાલયમાં બે લોકોએ પહેલા ગળુ દબાવી અને પછી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. કમલેશ તિવારીના મૃતદેહ પાસેથી ગુજરાતની દુકાનની મિઠાઈનો ડબ્બો અને એક તમંચો મળી આવ્યો હતો. બંન્ને આરોપીઓએ ભગવા રંગનો કુર્તો પહેરી રાખ્યો હતો.