ચેન્નાઈઃ “એક દેશ, એક ભાષા”ને પ્રાધાન્ય આપવાની કેન્દ્ર સરકારની વાત સામે અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને ચેતવણી આપી છે. એક વીડિયો જાહેર કરીને કમલ હાસને અપ્રત્યક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફ ઈશારો કરતા કહ્યું કે, ભારત 1950માં “અનેકતામાં એકતા”ના વાયદા સાથે ગણતંત્ર બન્યું હતું અને હવે કોઈ “શાહ, સુલ્તાન કે સમ્રાટ” તેનો ઈનકાર ના કરી શકે. મહત્વનું છે કે અમિત શાહે હિન્દી દિવસ પર પોતાના ભાષણમાં “એક રાષ્ટ્ર, એક ભાષા”નો ઉલ્લેખ કર્યો હતો.
વિડીયોમાં કલમ હાસને કહ્યું કે અમે તમામ ભાષાઓનું સન્માન કરીએ છીએ, પણ અમારી માતૃભાષા હંમેશા તમિલ રહેશે. મક્કલ નિધિ મૈય્યમના અધ્યક્ષ કમલ હાસને સોમવારે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો, અને આક્રામક અંદાજમાં કહ્યું કે આ વખતે ભાષા માટે આંદોલન થશે અને તે જલ્લીકટ્ટુ આંદોલનથી મોટું હશે. તેમણે કહ્યું કે ભારત કે તામિલનાડુને આવા જંગની જરુર નથી.
અનેક ગણુ મોટું હશે આંદોલન
કમલ હાસને કહ્યું કે, “જલ્લીકટ્ટુ તો માત્ર વિરોધ પ્રદર્શન હતું. અમારી ભાષા માટે જંગ આના કરતા ઘણો મોટો હશે. રાષ્ટ્રગીત પણ બાંગ્લામાં હોય છે, તેમની માતૃભાષામાં નહીં. તે એ વાતનું પ્રતિક છે. જેના કારણે આપણે તેને ગાઈએ છીએ, કારણ કે જે વ્યક્તિએ તેને લખ્યું છે તે દરેક ભાષાને મહત્વ અને સન્માન આપતા હતા.” કમલે કહ્યું કે ભારત એક સંઘ છે જ્યાં તમામ સૌહાર્દની સાથે મળીને બેસીએ છીએ અને ખાઈએ છીએ. આપણને જબરજસ્તીથી ખવડાવવી ન શકાય.
શાહના વિરોધમાં દક્ષિણ ભારતની પાર્ટીઓ
ધનીય છે કે હિન્દી દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક દેશ એક ભાષાના સિદ્ધાંતના પક્ષ લેવાના મામલે હવે દક્ષિણ ભારતની રાજકીય પાર્ટીઓ તેના વિરોધમાં ઉતારી આવી છે. તમિલનાડુની મુખ્ય પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા એમ કે સ્ટાલિને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, કેન્દ્ર પોતાની નીતિઓમાં તમિલનાડુ સાથે ભેદભાવ કરી રહ્યું છે, અને અહીંના લોકો પર જોર જબરજસ્તીથી હિન્દી ભાષા થોપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અગાઉ વડાપ્રધાન મોદીએ પણ સદનમાં કહ્યું હતું કે, પ્રાદેશિક ભાષાઓનું સમ્માન થશે.