ચાંદ પર સાંજ ઢળતાં જ ઇસરોની વિક્રમ સાથે સંપર્કની આશા તૂટશે?

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) ના વૈજ્ઞાનિક હજી પણ પોતાના ચંદ્રયાન-2 ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાના કામમાં લાગ્યા છે. ઈસરોની મદદ માટે NASA પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટર્સથી સતત ચંદ્રયાન-2 ના ઓર્બિર્ટર અને લેન્ડરથી સંપર્ક બનાવી રહ્યા છે. આ ત્રણ સેન્ટર્સ છે- સ્પેનના મૈડ્રિડ, અમેરિકાના કૈલિફોર્નિયાનો ગોલ્ડસ્ટોન અને ઓસ્ટ્રેલિયાના કૈનબેરા. આ ત્રણ જગ્યાઓ પર લાગેલા તાકાતવર એન્ટીના ચંદ્રયાન-2 ના ઓર્બિટરથી તો સંપર્ક સાધી શકે છે પરંતુ વિક્રમ લેન્ડરને મોકલવામાં આવી રહેલા સંદેશાઓનો કોઈ જવાબ નથી મળી રહ્યો.

7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 1.50 વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યું હતું. જે સમયે ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડર ચંદ્ર પર પહોંચ્યું તે સમયે ત્યાં સવાર હતી. એટલે કે સુર્યનો પ્રકાશ ચંદ્ર પર પડવાની શરુઆત થઈ હતી. ચંદ્રનો આખો દિવસ એટલે કે સુર્યની રોશની વાળો પૂર્ણ સમય પૃથ્વીના 14 દિવસના બરાબર હોય છે. એટલે કે 20 અથવા 21 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર રાત થઈ જશે. 14 દિવસ કામ કરવાના મિશનને લઈને વિક્રમ અને પ્રજ્ઞાન રોવરના મિશનનો ટાઈમ પૂર્ણ થઈ જશે. આજે 16 સપ્ટેમ્બર છે, એટલે કે ચંદ્ર પર 20-21 સપ્ટેમ્બરના રોજ થનારી રાતથી કેટલાક કલાક પહેલાનો સમય એટલે કે ચંદ્ર પર સાંજનો સમય શરુ થઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્ર પર સાંજ થવા લાગી છે. વિક્રમ લેન્ડરના ફોટોગ્રાફ્સ તો લેવાશે પરંતુ એ વાતની ગેરન્ટી નથી કે તસવીરો સ્પષ્ટ આવશે કે કેમ. કારણ કે સાંજના રોજ સૂર્યનો પ્રકાશ ઓછો હોય છે અને આવામાં ચંદ્રની સપાટી પર ઉપસ્થિત કોઈપણ વસ્તુના સ્પષ્ટ ફોટોગ્રાફ્સ લેવા એ પડકાર રુપ કામ હશે. બની શકે છે કે આ ફોટોગ્રાફ્સ બ્લર પણ આવે. પરંતુ જે પણ ફોટોગ્રાફ્સ આવશે, તેને નાસા ભારતીય ઈસરો સાથે શેર કરશે.

જો 20-21 સપ્ટેમ્બર સુધી કોઈપણ પ્રકારે ઈસરો અને દુનિયાભરની અન્ય એજન્સીઓના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવામાં સફળ થઈ ગયા તો ઠીક નહીતો માની શકાય કે બીજીવાર વિક્રમ સાથે સંપર્ક થવો તે કોઈ ચમત્કારથી ઓછું નહી હોય. કારણ કે ચંદ્ર પર રાત્રી શરુ થઈ જશે, જે પૃથ્વીના 14 દિવસ બરાબર હશે. ચંદ્રના એ ભાગમાં સૂર્યપ્રકાશ નહી પડે કે જ્યાં વિક્રમ લેન્ડર છે. તાપમાન ઘટીને માઈનસ 183 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ તાપમાનમાં વિક્રમ લેન્ડરના ઈલેકટ્રોનિક પાર્ટ્સ પોતાને કાર્યાન્વિત અથવા જીવિત રાખી શકશે કે કેમ તે પણ એક મુશ્કેલીભર્યો પ્રશ્ન છે. એટલા માટે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક નહી થઈ શકે.

કહેવામાં આવે છે કે વિજ્ઞાનમાં સફળતા અને નિષ્ફળતા નથી હોતી. માત્ર પ્રયોગ હોય છે. અને દરેક પ્રયોગ કંઈક નવું શિખવાડે છે. જેથી આવનારો બીજો પ્રયોગ વધારે સારો બની શકે. ISRO નું ચંદ્રયાન-2 મૂન મિશન પણ ઈસરોના વૈજ્ઞાનિકો માટે ખૂબ શિખવાડનારુ સાબિત થયું છે. ઘણી વસ્તુઓ અથવા ઘટનાઓ પ્રથમવાર થઈ. ઘણી ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી. અંતરિક્ષમાં કક્ષા બદલવા દરમિયાન નક્કી ગતી અને નક્કી અંતરમાં વધારે આગળ વધ્યા. એટલે કે ઉત્કૃષ્ઠ ઓર્બિટનું મેન્યૂફેક્ચરિંગ કરવામાં આવ્યું. આનાથી ચંદ્રયાન-2 ના ઈંધણને બચાવવામાં મદદ કરશે.

ઈસરોના નામે 6 ઉપ્લબ્ધીઓ નોંધાઈ

1- ઈસરોએ પ્રથમવાર બનાવ્યું લેન્ડર અને રોવર.

2- પ્રથમવાર કોઈ પ્રાકૃતિક ઉપગ્રહ પર લેન્ડર-રોવર મોકલ્યું.

3- ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પ્રથમવાર મોકલ્યું મિશન.

4- પ્રથમવાર કોઈ સેલેસ્ટિયલ બોડી પર લેન્ડ કરવાની ટેક્નિક વિકસિત કરી.

5- પ્રથમવાર લેન્ડર-રોવર-ઓર્બિટરને એકસાથે લોન્ચ કરવામાં આવ્યા.

6- વિશેષ પ્રકારના કેમેરા અને સેન્સર્સ બનાવવામાં આવ્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]