નવી દિલ્હી- જસ્ટિસ રંજન ગોગોઈએ આજે દેશના 46મા મુખ્ય ન્યાયમૂર્તિ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે તેમનો કાર્યકાળ 13 મહિનાનો રહેશે. જે નવેમ્બર 2019માં પૂરો થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ રંજન ગોગોઈને CJIના શપથ લેવડાવ્યા હતા.ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ રંજન ગોગોઈના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનવાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ દીપક મિશ્રાના વિદાય સમારોહમાં બોલતા જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, તેમનું સૌથી મોટું યોગદાન ‘સિવિલ લિબર્ટી’ના મામલામાં છે. ઉપરાંત તેમના બીજા ઘણા ઉત્કૃષ્ટ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો.
જસ્ટિસ રંજન ગોગોઈ મૂળ આસામના રહેવાસી છે. અને તેમણે એનસીઆર પર સુનાવણી માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ બેન્ચની અધ્યક્ષતા પણ કરી છે. સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં સામેલ રહ્યાં છે. સાર્વજનિક જાહેરાત દ્વારા રાજકારણીઓના મહિમામંડન કરવા સામે પણ જસ્ટિસ ગોગોઈ ચૂકાદો સંભળાવી ચુક્યા છે.
જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના એ ચાર જજમાં સામેલ રહી ચૂક્યા છે, જેમણે ગત 12 જાન્યુઆરી 2018ના રોજ અચાનક જ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટના કામકાજ અને કાર્ય પદ્ધતિ ઉપર તેમજ ન્યાયપાલિકાની સ્વતંત્રતા ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.