રોહિંગ્યા મુસલમાનો ટ્રેનથી કેરળ આવી રહ્યાં છે: રેલવેએ જારી કર્યું એલર્ટ

તિરુવનંતપુરમ- પૂર્વોત્તરના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસલમાન ટ્રેન દ્વારા કેરળ જઈ રહ્યા છે. જેને લઈને રેલવેએ એલર્ટ જારી કરી રેલવે સુરક્ષા દળને (RPF) પૂર્વોત્તર ભારતથી દક્ષિણ ભારત જનારી 14 ટ્રેનોનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયની ગુપ્ત માહિતી બાદ રેલવેએ આ કાર્યવાહી કરી છે.રેલવે સુરક્ષા દળે તેના અધિકારીઓ અને ભારતીય રેલવેને એક ગુપ્ત પત્ર મોકલ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઈ પણ રોહિંગ્યા મુસલમાન ટ્રેનમાં મુસાફરી કરતા જણાય તો તેને તરત જ સ્થાનિક પોલીસને સોંપવામાં આવે છે. અને તેની સુચના કેન્દ્રિય કાર્યાલયને આપવામાં આવે.

આ ટ્રેનની જાણકારી ચેન્નાઈ સ્થિત આરપીએફના મુખ્ય સુરક્ષા આયુક્ત કાર્યાલયથી રેલવેના તમામ સંબંધિત સ્ટાફને મોકલવામાં આવી છે. આરપીએફના મુખ્ય સુરક્ષા આયુક્ત પી. સેતૂ માધવનના જણાવ્યા મુજબ ‘અમને રોહિંગ્યા મુસલમાનોના કેરળ તરફ આવવાની માહિતી મળી છે. આ માહિતી અમને ગુપ્ત વિભાગ દ્વારા આપવામાં આવી છે. અને અમે સુચના પર કામ કરી રહ્યાં છીએ’.