નવી દિલ્હીઃ ઝારખંડમાં આજે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ સવાર સવારમાં ઘણા લોકો મતદાનની કતારમાં ઉભેલા નજરે ચડ્યા હતા. ચૂંટણી આયોગના અધિકારીઓ અનુસાર મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે. પ્રથમ ચરણમાં કુલ 37,83,055 મતદારો 189 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં સૌથી વધારે 28 ઉમેદવાર ભવનાથપુર સીટથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર ચતરા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ ચરણના મતદાનમાં 121 મતદાન કેન્દ્રો એવા છે કે જે પૂર્ણ રીતે મહિલા સંચાલિત છે. મુખ્ય ચૂંટણી અધિકારી વિનય કુમાર ચૌબેએ જણાવ્યું કે મતદાનમાં મહિલાઓનો ફાળો વધારવા માટે 13 સીટોની વિધાનસભા ચૂંટણીમાં 121 મહિલા સંચાલિત મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત ચતરામાં 6, ગુમલામાં 12, લોહદરગામાં 9, મનિકામાં 19, લાતેહારમાં 26, પાંકીમાં 2, ડાલ્ટેનગંજમાં 36, વિશ્રામપુરમાં 2, છતરપુરમાં 1, હુસૈનાબાદમાં 4, ગઢવામાં 2 અને ભવનાથપુરમાં 2 મહિલા સંચાલિત મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે પ્રથમ ચરણની ચૂંટણીને લઈને 417 આદર્શ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત ચતરામાં 26, ગુમલામાં 46, વિશુનપુરમાં 29, લોહરદગામાં 18, મનિકામાં 14, લાતેહારમાં 20, પાંકીમાં 29, ડાલ્ટેનગંજમાં 85, વિશ્રામપુરમાં 30, છતરપુરમાં 35, હુસૈનાબાદમાં 49, ગાઢવામાં 13 અને ભવનાથપુરમાં 23 આદર્શ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.