મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવા માટે શરદ પવારે મૂકી હતી આ 2 શરતો

નવી દિલ્હીઃ ભાજપને સમર્થન આપવા માટે એનસીપી અધ્યક્ષ શરદ પવારે બે શરતો વડાપ્રધાન સામે રાખી હતી. પહેલી શરત એ હતી કે કેન્દ્રની રાજનીતિમાં સક્રિય દિકરી સુપ્રિયા સુલે માટે કૃષિ મંત્રાલય અને બીજી શરત એ હતી કે દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બનાવવા. જ્યારે આ વાત વડાપ્રધાન મોદી સામે આવી તો તેઓ સરકાર બનાવવા માટે આ શરતોને માનવા માટે તૈયાર ન થયા. પ્રાપ્ત વિગતો અનુસાર, પાર્ટીના નેતૃત્વને લાગ્યું કે જો મહારાષ્ટ્રમાં સમર્થન પ્રાપ્ત કરવા માટે રાંકપાને કૃષિ મંત્રાલય આપી દેવામાં આવ્યું તો, બિહારમાં જૂના સહયોગી જેડીયુ રેલવે મંત્રાલય માટે દાવો કરીને ધર્મ સંકટ ઉભું કરી શકે છે. ત્યારે આવામાં પ્રચંડ બહુમત છતા બે મોટા મંત્રાલય ભાજપ પાસેથી નિકળી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જે પ્રકારે મહારાષ્ટ્ર જેવી રીતે રાજ્યમાં દેવેન્દ્ર પાંચ વર્ષ સુધી સત્તા ચલાવવામાં સફળ રહ્યા અને વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી તેમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને ચૂંટણી લડી, 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યા બાદ પાર્ટી મુખ્યાલય પર કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ફડણવીસના જ નેતૃત્વમાં સરકાર બનવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ ફડણવીસની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા એ ભાજપા માટે અશક્ય હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બંન્ને માંગોને માનવા માટે શરદ પવારે ભાજપા અને મોદી-શાહને સંદેશ મોકલીને વિચાર માટે સમય આપ્યો હતો. આ જ કારણ છે કે પરિણામો આવ્યા બાદ પવારે ભાજપના નેતૃત્વ વિરુદ્ધ એવું કોઈ કડક નિવેદન નહોતું આપ્યું, જેનાથી ભાજપા દ્વારા વળતા પ્રહારરુપી નિવેદન આવવાની શક્યતાઓ રહે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ માત્ર શિવસેના અને ભાજપા વચ્ચે જ ચાલી રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર પવારની આ માંગો પર ભાજપા દ્વારા સકારાત્મક જવાબ ન મળવા પર 20 નવેમ્બરના રોજ જ્યારે સંસદ ભવનમાં વડાપ્રધાન મોદી પવારને મળ્યા તો આશરે 45-50 મીનિટ લાંબી વાત ચાલી. જો કે આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી શરદ પવારની આ બંન્ને માંગો પર રાજી ન થયા અને ન તો તેમણે ખુલીને કંઈપણ કહ્યું.

આ વચ્ચે 22 નવેમ્બરના રોજ રાતોરાત શરદ પવારના ભત્રીજા અજિત પવારે બાગી થઈને ભાજપા સાથે સરકાર બનાવવાની રજૂઆત કરી દીધી. શરુઆતમાં એવા સમાચારો આવ્યા કે અજિત પવાર સાથે 30-35 ધારાસભ્યો તૂટીને ભાજપા સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે. એપણ કહેવામાં આવ્યું કે આમાં શરદ પવારની પણ મૌન સહમતિ છે. પરંતુ બાદમાં શરદ પવારે ટ્વીટ કરીને ભાજપા સાથે એનસીપી ગઠબંધનની વાત ફગાવતા કહ્યું કે સરકારમાં શામિલ થવાનો અજિત પવારનો પોતાનો પર્સનલ નિર્ણય છે. સૂત્રો અનુસાર શરદ પવારને છેક સુધી આશાઓ હતી કે શિવસેનાનો સાથ છોડવાના કારણે અસહાય બની ગયેલી ભાજપા તેમની બંન્ને શરતો માની લેશે, પરંતુ આવું ન થયું. આખરે શરદ પવારે કોંગ્રેસ અને શિવસેના સાથે સરકાર બનાવવાનું પોતાનું અંતિમ પગલું ભર્યું. શરદ પવારને ખ્યાલ હતો કે 54 ધારાસભ્યો હોવાના કારણે તેમના બંન્ને હાથમાં લાડવા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]