હરિયાણામાં રાજકીય ઘમાસાણઃ સરકારનો ખતરો?

ચંદીગઢઃ  હરિયાણાની રાજનીતિમાં ઘમાસાણ છેડાયું છે. જનનાયક જનતા પાર્ટી (JJP) ના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય રામકુમાર ગૌતમે પાર્ટી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે દુષ્યંત ચૌટાલાએ એ વાત ન ભુલવી જોઈએ કે તેઓ પાર્ટીના ધારાસભ્યોના કારણે ઉપ-મુખ્યમંત્રી બન્યા છે. આ સાથે જ તેમણે દુષ્યંત દ્વારા ભાજપ સાથે ગઠબંધનને લઈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

જેજેપીના ધારાસભ્ય રામકુમાર ગૌતમે કહ્યું કે, જેજેપી અને બીજેપીનું ગઠબંધન આપણી પાર્ટીના મોટાભાગના નેતાઓની જાણકારી વગર થયું હતું. હું ખૂબ દુઃખી છું કે તે લોકોએ એમ્બિયંસ મોલમાં ગઠબંધનને લઈને વાત કરી હતી અને જ્યારે અમને ખબર પડી તો અમને બહુ ખરાબ લાગ્યું. જનતાને દુઃખ થયું અને તમામ ધારાસભ્યો પણ દુઃખી હતા. તમામ સારા વિભાગો દુષ્યંતે લઈ લીધા. બાકી અન્ય ધારાસભ્યોનું શું? શું તેમને જનતાએ વોટ નથી આપ્યા?

રામકુમાર ગૌતમે ડેપ્યુટી સીએમ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે તે અમને ત્રણ મહીના સુધી પારખશે. અરે તમે કોણ છો અમને પારખનારા? તેમણે કહ્યું કે ડેપ્યુટી સીએમે 11 મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે અને માત્ર પાર્ટીના એક ધારાસભ્યને મહત્વના મંત્રાલયના જૂનિયર મિનિસ્ટર બનાવ્યા છે. દુષ્યંત ચૌટાલા સત્તામાં આવ્યા બાદ પોતાના પરિવારને ભૂલી ગયા છે.

હરિયાણામાં જેજેપી અને ભાજપ ગઠબંધન બાદ માનવામાં આવી રહ્યું હતું કે, રામકુમાર ગૌતમને મંત્રાલય જરુર આપવામાં આવશે પરંતુ આમ ન થયું. તેમણે આગળ કહ્યું કે, હું ચૂંટણી લડવા નહોતો ઈચ્છતો પરંતુ દુષ્યંત અને તેમના પિતા અજય ચૌટાલા ઈચ્છતા હતા કે હું તેમની સાથે જઉં, તેઓ જાણતા હતા કે માત્ર હું જ છું કે જે વર્તમાન ધારાસભ્ય કેપ્ટન અભિમન્યુને હરાવી શકે છે.

તેમણે કહ્યું કે, હું પાર્ટી નહી છોડું. જનતાએ મને ચૂંટીને મોકલ્યો છે, મારી તેમના પ્રત્યેની જવાબદારી છે. જો હું પાર્ટીમાંથી રાજીનામું આપી દઉં તો મારે ધારાસભ્ય પદ છોડવું પડશે અને હું મારા ક્ષેત્રને અધવચ્ચે ન છોડી શકું.