રાહુલે કહયું, જૂઠ જૂઠ જૂઠ તો ભાજપે કહયું, તમે જૂઠ્ઠાના સરદાર…

નવી દિલ્હી: દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નહીં હોવાના પીએમ મોદીના નિવેદનને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, આરએસએસના પ્રધાનમંત્રી ભારત માતાને જૂઠ્ઠું બોલે છે. હકીકતમાં રાહુલ ગાંધીએ અસમમાં ડિટેન્શન સેન્ટર સાથે જોડેયેલા એક વિડિયોને ટ્વીટર પર શેર કર્યો છે. રાહુલે #JhootJhootJhoot હેશટેગ સાથે લખ્યું કે, આરએસએસના પ્રધાનમંત્રી ભારત માતાને જૂઠ્ઠું બોલે છે. આ સાથે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ ભાષણ પણ ટ્વીટ કર્યું છે જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.

મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ દેશની રાજધાની દિલ્હી ખાતેની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન અને એનઆરસી મુદ્દે કહ્યું હતું કે હવે જે લોકો ભ્રમમાં છે તેમને જણાવું છે કે કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ફેલાવવામાં આવેલ ડિટેન્શન સેન્ટરની અફવા ખોટી છે. એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી, ત્યારે બીજી તરફ આસામમાં દેશના પહેલા સૌથી મોટા ડિટેન્શન સેન્ટર પર કામ જારી હોવાનું બહાર આવ્યું છે.

જવાબમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી રાહુલ ગાંધીને જૂઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા. પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી પાસેથી સારી ભાષાની અપેક્ષા રાખવી એ ખૂબ અપેક્ષા રાખવા બરાબર છે. તેમાં કોઈ અતિશયોક્તિ નહીં થાય જો આપણે રાહુલ ગાંધીને ‘જૂઠ્ઠાના સરદાર’ કહીશું તો. ડિસેમ્બર, ૨૦૧૧ ની અખબારી યાદીમાં ખુદ રાહુલ ગાંધીની સરકારે સ્વીકાર્યું હતું કે તેમણે આસામમાં ત્રણ અટકાયત કેન્દ્રો બનાવ્યાં છે અને આ કેન્દ્રોમાં 36૨ લોકોને રાખવામાં આવ્યા હતા.  શું તમે આજે ફરી દેશની માફી માંગશો? રાહુલ ગાંધીને કોઈ પણ વિષય પર જ્ઞાન નથી.

રાહુલ ગાંધીના ટ્વીટ પર ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પલટવાર કર્યો છે. નકવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીને ભારત માતા યાદ આવી, આ આશ્ચર્યની વાત છે કારણ કે તેમના માટે એક જ માતા છે. જે સાપ-સીડીની આ રમત રમી રહ્યાં છે. આ લોકોએ પહેલા CAA પછી NRC પછી NPR  પર સવાલ ઉભા કર્યા છે. આ ભય અને ભ્રમનું ભૂત ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]